Business News/ FSSAI નો મોટો નિર્ણય; ખાંડ અને ફેટવાળા પેકેડ ફૂડ પર લાગશે લાલ રંગનો સ્ટૉપ સાઇન ચેતવણી લેબલ

FSSAI એ સુપ્રીમ કોર્ટમાં હલફનામું આપીને જણાવ્યું છે કે નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડ, મીઠું કે ફેટ ધરાવતા પેકેડ ફૂડ પર લાલ રંગનો ષટ્કોણાકાર ચેતવણી લેબલ લગાવવામાં આવશે. જાણો વિગતો.

Top Stories Business
FSSAI

FSSAI Front Of Pack Warning Label Red:  ભારતમાં પેકેટવાળા ખાદ્યપદાર્થો ખરીદતા ગ્રાહકો માટે મહત્વના ફેરફારની તૈયારી થઈ રહી છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી એટલે કે FSSAIએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પેકેટના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કોઈ ખાદ્યપદાર્થમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ હશે, તો પેકેટ પર લાલ રંગનું ષટ્કોણ આકારનું ચેતવણી ચિહ્ન દર્શાવવાનું રહેશે.

HIGH SUGAR, HIGH SALT અને HIGH FAT સ્પષ્ટ દેખાશે

નવા પ્રસ્તાવ મુજબ પેકેટના આગળના ભાગમાં મોટા અક્ષરોમાં HIGH SUGAR, HIGH SALT અથવા HIGH FAT જેવી ચેતવણી લખવાની રહેશે. આ લખાણ એટલું સ્પષ્ટ અને મોટું રાખવામાં આવશે કે ગ્રાહકને પેકેટ હાથમાં લેતાં જ તેમાં રહેલા વધુ પ્રમાણવાળા ઘટકો વિશે માહિતી મળી જાય. આ માટે ઉપયોગમાં લેવાતો ફોન્ટ પાછળ આપવામાં આવતી સામાન્ય ન્યુટ્રિશન માહિતી કરતાં ઓછામાં ઓછો એક પોઇન્ટ મોટો રાખવાનો પ્રસ્તાવ છે.

FSSAI

બે તબક્કામાં લાગુ કરવાની યોજના

આ નિયમ એકસાથે તમામ ઉત્પાદનો પર લાગુ કરવાને બદલે બે તબક્કામાં અમલમાં મૂકવાની યોજના છે. પ્રથમ તબક્કામાં એવા પેકેટવાળા ખોરાકને સામેલ કરવામાં આવશે, જેમાં ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટમાંથી ઓછામાં ઓછા બે ઘટકો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય. બીજા તબક્કામાં આ નિયમ વધુ વિસ્તૃત કરીને એવા ઉત્પાદનો પર પણ લાગુ કરવામાં આવશે, જેમાં આમાંથી કોઈ એક ઘટકનું પ્રમાણ જ મર્યાદા કરતાં વધારે હોય. FSSAIના પ્રસ્તાવમાં કેટલાક એકલ ઘટકવાળા મૂળભૂત ખાદ્યપદાર્થોને આ ચેતવણી લેબલમાંથી બહાર રાખવાની વાત પણ કરવામાં આવી છે. તેમાં ઘી, તેલ, મીઠું, ખાંડ, ગોળ અને મધ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા

આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં બાળકોમાં વધતા મોટાપા અને બિનઆરોગ્યપ્રદ પેકેટવાળા ખોરાકના સેવન અંગે ચિંતા વધી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન પણ પેકેટવાળા ખોરાક પર રહેલી ખાંડ, મીઠું અને ચરબીની માહિતી ગ્રાહકોને સરળતાથી દેખાય તે જરૂરી હોવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. આ ચેતવણી લેબલનો મુખ્ય હેતુ ગ્રાહકોને ડરાવવાનો નહીં, પરંતુ ખરીદી કરતા પહેલાં ખોરાકમાં શું અને કેટલા પ્રમાણમાં છે તેની જાણકારી સરળતાથી મળે તે છે.


આ પણ વાંચો:FSSAI નો મોટો નિર્ણય; ખાંડ અને ફેટવાળા પેકેડ ફૂડ પર લાગશે લાલ રંગનો સ્ટૉપ સાઇન ચેતવણી લેબલ

આ પણ વાંચો:પશ્ચિમ એશિયા પાછળ રહી ગયું; આફ્રિકી દેશ કેન્યા માટે ભારત બન્યું ફ્યુઅલનું સૌથી મોટું સપ્લાયર

આ પણ વાંચો:સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ મોટા ફેરફારો; જાણો રસોડાના બજેટ અને મુસાફરી પર કેવી થશે અસર