Hyderabad HIV Injection Case: સગાઈ તૂટી જવાની અદાવતમાં કોઈ વ્યક્તિ કઈ હદે જઈ શકે છે, તેનો હચમચાવી દે તેવો કિસ્સો હૈદરાબાદમાંથી સામે આવ્યો છે. અહીં એક 24 વર્ષીય યુવકે પોતાની 22 વર્ષીય પૂર્વ મંગેતરને બળજબરીથી HIV સંક્રમિત લોહીનું ઈન્જેક્શન લગાવી દીધું હતું. યુવક પોતે HIV સંક્રમિત હોવાની જાણ થતાં યુવતીના પરિવારે લગ્ન રદ કરી દીધા હતા, જેનો બદલો લેવા આરોપીએ આ ખૌફનાક ષડયંત્ર રચ્યું હતું.
મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો અને સગાઈ તૂટી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને પીડિતા બંને સંબંધીઓ છે. અગાઉ યુવતીના માતા-પિતાએ આરોપી સાથે તેની સગાઈ નક્કી કરી હતી. જોકે, યુવકના માતા-પિતા પહેલેથી જ HIV સંક્રમિત હોવાથી, યુવતીના પરિવારે સાવચેતીના ભાગરૂપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુવકનો પણ મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.આ તપાસમાં યુવક પોતે પણ એચઆઈવી પોઝિટિવ (HIV Positive) હોવાનું સામે આવતા યુવતીના પિતાએ તાત્કાલિક આ લગ્ન રદ કરી દીધા હતા.
11 માર્ચે ઘરમાં ઘૂસીને આપ્યો અંજામ
લગ્ન તૂટી જવાથી આરોપી યુવક ભારે રોષે ભરાયો હતો અને ગત 11 માર્ચના રોજ તે પીડિતાના ઘરે પહોંચીને તેને બળજબરીથી એચઆઈવી (HIV) સંક્રમિત લોહીનું ઈન્જેક્શન લગાવી દીધું હતું. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાની વિકૃત માનસિકતાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેણે એવું વિચારીને આ કાવતરું રચ્યું હતું કે જો યુવતીને પણ HIV થઈ જશે, તો બીજું કોઈ તેની સાથે લગ્ન નહીં કરે અને અંતે તેણે મજબૂરીમાં પોતાની સાથે જ આખી જિંદગી વિતાવવી પડશે.
હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, યુવકની ધરપકડ
પીડિતાના પિતાની ફરિયાદના આધારે હૈદરાબાદના પોચારમ આઈટી કોરિડોર (Pocharam IT Corridor) પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ (Attempt to Murder) નો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
HIV શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાયરસ એવો વાયરસ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immune System) પર સીધો હુમલો કરી તેને ધીમે ધીમે નબળી પાડે છે.આ વાયરસ મુખ્યત્વે અસુરક્ષિત શારીરિક સંબંધ, સંક્રમિત સોય (ઈન્જેક્શન) ના ઉપયોગ, સંક્રમિત લોહી ચડાવવાથી અથવા HIV પોઝિટિવ માતાથી બાળકમાં (ગર્ભાવસ્થા કે સ્તનપાન દરમિયાન) ફેલાય છે. સ્પર્શ કરવાથી કે સાથે જમવાથી આ વાયરસ ફેલાતો નથી. શરૂઆતમાં તાવ, થાક, ગળામાં ખારાશ અને ત્વચા પર ચાઠા જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. જો યોગ્ય સમયે ઈલાજ ન થાય તો તે એઇડ્સ (AIDS) માં પરિણમે છે. જોકે, હાલમાં એન્ટીરેટ્રોવાયરલ થેરાપી (ART) ની મદદથી વાયરસને નિયંત્રિત કરી શકાય છે અને દર્દી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે.
