Gujarat News : સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો (Bogus Doctors)સામે પોલીસ તંત્ર સખત બન્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તાજેતરમાં જામનગર ગ્રામ્ય તેમજ રાજકોટ જિલ્લાના બેડલા ગામમાં દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને ઝડપવામાં આવ્યા છે. આ તમામ લોકો કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે.
જામનગર ગ્રામ્યમાં ચાર નકલી ડોક્ટર(Bogus Doctors) ઝડપાયા
Jamnagar ગ્રામ્ય વિસ્તારમાં SOG પોલીસને ચોક્કસ બાતમી મળતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન મેડિકલ સાધનો સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં સચાણા ગામમાં રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળનો મધુમંગલ બિશ્વાસ તેમજ દરેડ વિસ્તારનો જગદીશ મકવાણા સામેલ છે. ઉપરાંત લાલપુર તાલુકાના મેઘપર ગામમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર સારવાર કરતા મૂળ પશ્ચિમ બંગાળના મીલટન બિશ્વાસ અને પ્રોવાસ વિશ્વાસને પણ SOG પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટમાં પોલીસનો ડમી દર્દી બનાવી દરોડો
Rajkot જિલ્લાના બેડલા ગામમાં ચાલતા ગેરકાયદેસર ક્લિનિક પર કાર્યવાહી કરવા SOG પોલીસે ખાસ વ્યૂહરચના અપનાવી હતી. પોલીસે ડમી દર્દી મોકલી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન 45 વર્ષીય ભાવેશ જોષી નામના શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભાવેશ જોષી માત્ર કોલેજ સુધી ભણેલો છે અને છેલ્લા છ મહિનાથી કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોની સારવાર કરી રહ્યો હતો.
લોકોના આરોગ્ય સાથે જોખમી ખેલ
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા તમામ આરોપીઓ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હતા. હાલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે સારવાર માટે હંમેશા માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટર પાસે જ સારવાર કરાવવી અને શંકાસ્પદ ક્લિનિક અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી.
