અમદાવાદ,
સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મ ઘટનાના પડધા સમગ્ર રાજ્યભરમાં પડી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓ અંગે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા તેને બદનામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
અલ્પેશ ઠાકોરે ભાવુક થતાંથતા કહ્યું હતું કે, જો મારો સમાજ કહેશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં રહેવાનો તમામ લોકોને અધિકાર છે.
હું ખોટો નથી. હું બિહારનો સહપ્રભારી હોવાથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારા સમાજના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મેં ક્યારેય કોઈ ભડકાઉ ભાષણ નથી આપ્યું.
તો બીજીબાજુ ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટના વધી રહી છે જેને કારણે પરપ્રાંતિયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો ઉચાળા ભરી રહ્યા છે.
