Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્ક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રાત્રે આશરે 9:30 વાગ્યે આગ લાગતાં ભારે અફરાતફરી (Ahmedabad Magnet Park Fire) મચી ગઈ હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી એક IT કંપનીમાં આગ ફાટી નીકળતાં અંદાજે 30થી 40 કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. આગ અને ધુમાડાથી બચવા માટે કેટલાક લોકો બિલ્ડિંગની બારીઓ અને છજા પાસે આશરો લઈને ઊભા રહી ગયા હતા. આ દરમિયાન જીવ બચાવવા ઉપરથી નીચે કૂદેલા બે કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
Ahmedabad Magnet Park Fire: રાજકોટના યુવકનું સારવાર દરમિયાન મોત
આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ રચિત પટેલ (Rachit Patel Death) તરીકે થઈ છે. તે મૂળ રાજકોટનો રહેવાસી હતો અને અમદાવાદમાં પકવાન ચાર રસ્તા નજીક PGમાં રહેતો હતો. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital)માં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગના કારણે ગૂંગળામણ અને સામાન્ય ઈજાઓ થતાં પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આ પાંચેયને રજા આપી દેવામાં આવી હતી.
બોડકદેવ પોલીસ સ્ટેશનના PI સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે આગની ઘટનામાં ઉપરથી નીચે પટકાવાના કારણે એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

એક જ સીડી હોવાથી કર્મચારીઓની મુશ્કેલી વધી
બીજા માળે આવેલી કંપનીમાં આગ (Ahmedabad IT Company Fire) લાગી ત્યારે અંદર 30થી 40 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગતાં જ કર્મચારીઓ બહાર નીકળવા માટે દોડ્યા હતા, પરંતુ નીચે જવા માટે એક જ સીડી હોવાથી બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. દરમિયાન ધુમાડો મુખ્ય બહાર નીકળવાના રસ્તા સુધી ફેલાઈ જતાં કેટલાક લોકો અંદર જ ફસાઈ ગયા હતા.
આગની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. બિલ્ડિંગની બારીઓ પાસે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બે કર્મચારીઓએ બારીમાંથી લગાવી છલાંગ
આગના કારણે બિલ્ડિંગમાં ગાઢ ધુમાડો ફેલાતાં કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. બહાર નીકળવાનો મુખ્ય રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં અંદર ફસાયેલા બે કર્મચારીઓએ જીવ બચાવવા માટે બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું.

ફાયર વિભાગે ત્રણ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા
આગની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં નજીકનાં ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરોની ટીમ રેસ્ક્યૂ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે એક તરફ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સ્નોર્કલ અને સીડીની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય ત્રણ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ભારે જહેમત બાદ આગ કાબૂમાં, શોર્ટ સર્કિટની આશંકા
ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ઓફિસમાં રહેલા ફર્નિચર અને અન્ય સાધનસામગ્રીને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસના બીજા માળે ભીષણ આગ, 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદ્યા
આ પણ વાંચો: અમરેલીમાં ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં આગ, 16 વર્ષના સગીર સહિત 2 મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળ્યા
આ પણ વાંચો: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ! જોરદાર ધડાકા બાદ ધુમાડાના ગોટેગોટા, મોટી જાનહાનિ ટળી
