Aandhra Pradesh News/ વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ! જોરદાર ધડાકા બાદ ધુમાડાના ગોટેગોટા, મોટી જાનહાનિ ટળી

HPCL Refinery Fire: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં HPCL રિફાઇનરીની પિચ ટાંકીમાં આગ લાગી હતી. ધડાકા બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

Top Stories NATIONAL India Breaking News
HPCL Refinery Fire: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ મોટી જાનહાનિ ટળી

Andhra Pradesh News: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ની રિફાઇનરીમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના (HPCL Refinery Fire) સામે આવી છે. આગ દરમિયાન જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

HPCL Refinery Fire: રિફાઇનરીમાં ધડાકા બાદ આગની જ્વાળાઓ જોવા મળી

પ્રાથમિક માહિતી અનુસાર, રિફાઇનરીની નવી બનાવવામાં આવેલી રેસિડ્યુ અપગ્રેડેશન ફેસિલિટી (RUF)ના પિચ ટાવર એટલે કે સલ્ફર પિચ ટાંકીમાં આગ (RUF Unit Fire) લાગી હતી. આ યુનિટમાં ભારે વેક્યૂમ રેસિડ્યુ ઓઇલને ડીઝલ અને પેટ્રોલ જેવા સ્વચ્છ ઇંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

આગ લાગ્યા દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ દેખાયા હતા. આ દૃશ્યને કારણે આસપાસની રહેણાક વસાહતોમાં રહેતા લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ઘટના બનતાં જ રિફાઇનરીની ઓટોમેટેડ સુરક્ષા વ્યવસ્થા સક્રિય થઈ ગઈ હતી. ફરજ પર હાજર કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે સંબંધિત યુનિટને અલગ કરવામાં આવી હતી.

રિફાઇનરીની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

મલ્કાપુરમ પોલીસ ઇન્સ્પેક્ટર ઈ. નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. HPCLની આંતરિક ફાયર એન્ડ સેફ્ટી ટીમે પોતાના ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરી માટે બહારથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવાની જરૂર પડી નહોતી.

આગ એક જ ટાંકી સુધી મર્યાદિત રહી

વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર શંખબ્રત બાગચીએ પુષ્ટિ કરી હતી કે આગ માત્ર સંબંધિત ટાંકી સુધી જ મર્યાદિત રહી હતી. જેના કારણે અન્ય વિસ્તારોમાં મોટું જોખમ ઊભું થયું નહોતું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આગને કારણે ફેલાયેલો ધુમાડો પણ હાનિકારક નહોતો.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે પિચ યુનિટના માળખાને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. હાલ આગની ઘટના બાદ થયેલા નુકસાન અંગેની વિગતો સામે આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસના બીજા માળે ભીષણ આગ, 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદ્યા

આ પણ વાંચો: ટ્રમ્પના દબાણ છતાં યુક્રેનનો રશિયા પર મોટો પ્રહાર, બે ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ

આ પણ વાંચો: સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ, હોટફિક્સના જથ્થામાં ભભૂકી આગ