National News: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના અમલીકરણ અંતર્ગત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાના (CBSE Third Language Rule) આંતરિક મૂલ્યાંકન (Internal Assessment)માં સફળ થવું ફરજિયાત રહેશે.
CBSE દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ આ નિયમ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 9માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે. એટલે કે, આ વિદ્યાર્થીઓ જ્યારે વર્ષ 2027-28માં ધોરણ 10માં પહોંચશે ત્યારે તેમને આ નિયમનું પાલન કરવું પડશે.
મુખ્ય બોર્ડ પરીક્ષામાં નહીં હોય અલગ પેપર
CBSEએ સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી ભાષાની (CBSE Third Language Rule) મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. જોકે, શાળા દ્વારા લેવામાં આવતા આંતરિક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓએ પાસ થવું ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી આ મૂલ્યાંકનમાં સફળ નહીં થાય તો બોર્ડનું અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલાં શાળાએ તેને ફરી પરીક્ષા આપવાની તક આપવી પડશે.
ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈ
નવા નિયમો અનુસાર જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી ભાષાના (CBSE Third Language Rule) મૂલ્યાંકનમાં નાપાસ થાય તો પણ તેને ધોરણ 10માં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ધોરણ 10 દરમિયાન તેણે અગાઉની બાકી રહેલી પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તે સુનિશ્ચિત કરવાનો છે.
ધોરણ 6થી લાગુ થશે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા
CBSEએ અગાઉ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ વર્ષ 2026-27થી ધોરણ 6થી જ ત્રણ ભાષાના અભ્યાસની વ્યવસ્થા અમલમાં આવશે. વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવાની રહેશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય હોવી જરૂરી રહેશે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી સાથે વિદેશી ભાષા ભણે છે તો તેને એક વધારાની ભારતીય ભાષાનો પણ અભ્યાસ કરવો પડશે.
નિયમને કોર્ટમાં પડકાર
CBSEના આ નવા નિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. અરજીમાં નિયમના અમલને વર્ષ 2029-30 સુધી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કોર્ટમાં રજૂઆત કરીને જણાવ્યું છે કે NEP 2020નો હેતુ બહુભાષિત્વને પ્રોત્સાહન આપવાનો, ભારતીય ભાષાઓનું સંરક્ષણ કરવાનો અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. હાલ આ મામલો ન્યાયિક વિચારાધીન છે.
આ પણ વાંચો:અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
આ પણ વાંચો: જૂની પેન્શન યોજના પર સરકાર સક્રિય: પાત્ર કર્મચારીઓની વિગતો મંગાવી, જાણો કોને મળશે લાભ
