Gandhinagar News: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme-OPS)ને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ રાજ્યના તમામ વિભાગોના વડાઓને પત્ર મોકલીને નવી પેન્શન યોજના (NPS) હેઠળ સેવા આપતા અને જૂની પેન્શન યોજના માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો તાત્કાલિક મોકલવા સૂચના આપી છે.
સરકારે આ પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અને માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શરૂ કરી છે. જે કર્મચારીઓ નિર્ધારિત શરતો પૂર્ણ કરે છે, તેમને જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. આ માટે તમામ વિભાગોને નિર્ધારિત Excel ફોર્મેટમાં કર્મચારીઓની માહિતી તૈયાર કરીને Single Tapal મારફતે મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Old Pension Scheme: વિગતોની ચોકસાઈ પર ભાર
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ સ્પષ્ટ સૂચના આપી છે કે મોકલવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણ અને ચોક્કસ હોવી જોઈએ. વિભાગોએ કર્મચારીઓના PRAN/PPAN નંબર, GPF ખાતાની વિગતો, નિવૃત્તિ સંબંધિત માહિતી તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ જ માહિતી મોકલવાની રહેશે. જો માહિતી અધૂરી અથવા ખોટી હશે તો અરજી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
‘અર્જન્ટ’ કેટેગરી હેઠળ માહિતી મોકલવાનો આદેશ
સરકારે તમામ વિભાગોને આ કામગીરીને ‘અર્જન્ટ’ કેટેગરી હેઠળ પૂર્ણ કરવાની સૂચના આપી છે, જેથી પાત્ર કર્મચારીઓને સમયસર જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો લાભ મળી શકે. લાંબા સમયથી OPSની માંગ ઉઠાવતા સરકારી કર્મચારીઓમાં આ નિર્ણયથી નવી આશા જાગી છે.

કોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ?
રાજ્યના નાણા વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, 1 એપ્રિલ, 2005 પહેલાં ભરતી પ્રક્રિયા અથવા ભરતીની જાહેરાત પૂર્ણ થઈ હતી, પરંતુ વહીવટી અથવા કાનૂની કારણોસર નિમણૂક બાદમાં થઈ હોય, તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે છે.
આમાં મુખ્યત્વે નીચેના કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે:
1 એપ્રિલ, 2005 પહેલાં જાહેર થયેલી ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારો.
કોર્ટ કેસ અથવા વહીવટી વિલંબના કારણે મોડા નિયુક્ત થયેલા કર્મચારીઓ.
ફિક્સ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત કરવામાં આવેલા અને નિયમો મુજબ પાત્ર કર્મચારીઓ.
જોકે, 1 એપ્રિલ, 2005 પછી શરૂ થયેલી નવી ભરતી પ્રક્રિયા હેઠળ જોડાયેલા કર્મચારીઓને OPSનો લાભ મળશે નહીં અને તેઓ નવી પેન્શન યોજના (NPS) હેઠળ જ રહેશે.
કર્મચારીઓમાં વધી આશા
સરકાર દ્વારા માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થતાં OPSની લાંબા સમયથી માંગ કરી રહેલા અનેક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. હવે વિવિધ વિભાગો દ્વારા વિગતો એકત્રિત કરીને સરકારને મોકલવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે, જેના આધારે પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
આ પણ વાંચો:જૂની પેન્શન યોજના સરકારી ‘યાદદાસ્ત’માંથી બહાર ફેંકાઈ, જાહેરાતના બે મહિનાને પણ અમલ નહીં
આ પણ વાંચો:જૂની પેન્શન યોજના લાગુ ના થાય ત્યાં સુધી રાજ્યના પાંચ લાખ કર્મચારીઓ આંદોલનના માર્ગે..
