Navsari News/ નવસારીમાં શ્વાન ‘નેક્ટર’ની વફાદારી સાથે બહાદુરી: દીપડા સામે અંતિમ શ્વાસ સુધી લડી ત્રણ જીવ બચાવ્યા

નવસારીના ચીખલી તાલુકામાં ‘નેક્ટર’ નામના પાલતુ શ્વાને દીપડા સામે અંતિમ શ્વાસ સુધી લડી ત્રણ અજાણ્યા લોકોનો જીવ બચાવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ‘નેક્ટર’નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેની બહાદુરીની સોશિયલ મિડીયામાં પ્રશંસા થઈ રહી છે.

Gujarat Others Breaking News
Nectar

Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં માનવતા અને વફાદારીનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. ‘નેક્ટર’ નામના પાલતુ શ્વાને દીપડા સામે બહાદુરીપૂર્વક લડીને ત્રણ અજાણ્યા લોકોનો જીવ બચાવ્યો હતો. જોકે, આ સંઘર્ષમાં તે ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે ગૌરવની લાગણી જન્માવી છે.

શ્વાન ‘નેક્ટર’ (Nectar) વફાદારી સાથે બહાદુરીની મિશાલ બન્યો

કહેવાય છે કે પાલતુ પ્રાણીઓ અને પશુઓના પ્રેમમાં માણસના પ્રેમ જેવો સ્વાર્થ નથી હોતો. આ પાલતુ જીવ ભલે બેજુબાન રહ્યાં પણ તે માલિકનું રૂણ કદી ભુલતા નથી. આપણે ઘણીવાર પુસ્તકોમાં તથા લોકોના મુખે શ્વાનની વફાદારીની કહાનીઓ સાંભળીએ છીએ. આજનો માણસ બીજા માણસ પાસે માત્ર સ્વાર્થના સંબધ રાખે છે અને કામ પુરૂ થઈ ગયા બાદ મોં ફેરવી લે છે ત્યારે નવસારી (Navsari)માં શ્વાનની વફાદારીની એક સત્ય ઘટના સામે આવી છે. જેમા પોતાના માલિકના પ્રાણ બચાવવા માટે શ્વાને પોતાના પ્રાણની બાજી લગાવી દિધી હતી.

દીપડો સૂતેલા લોકો પર હુમલો કરવા પહોંચ્યો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં વહેલી સવારે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી. ગામની એક રેસ્ટોરન્ટ બહાર ત્રણ અજાણ્યા લોકો ખાટલા પર નિરાંતે સૂતા હતા. તે દરમિયાન ઝાડીઓમાંથી એક દીપડો શિકારની શોધમાં ત્યાં પહોંચી ગયો અને સૂતેલા લોકો પર હુમલો (Leopard Attack)કરવાની તૈયારીમાં હતો.

‘નેક્ટર’ દીપડા સામે દીવાલ બનીને ઊભો રહ્યો

આ સમયે ગામના યુવા અગ્રણી વિશાલ પટેલનો પાલતુ શ્વાન ‘નેક્ટર’ દીપડાની સામે આવી ગયો. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેણે દીપડાને સૂતેલા લોકો સુધી પહોંચતો અટકાવ્યો હતો. કદ અને શક્તિમાં ઘણો નાનો હોવા છતાં ‘નેક્ટર’એ હિંમત હાર્યા વિના દીપડા સામે લડ્યો.

અંતિમ શ્વાસ સુધી દીપડા સામે લડ્યો

દીપડા અને ‘નેક્ટર’ વચ્ચે ભયાનક સંઘર્ષ શરૂ થયો. દીપડાએ પોતાના તીક્ષ્ણ નખ અને દાંતથી વારંવાર હુમલા કર્યા છતાં ‘નેક્ટર’ સતત તેનો સામનો કરતો રહ્યો. આ દરમિયાન તેના ભસવાના અને લડાઈના અવાજથી ખાટલા પર સૂતેલા ત્રણેય લોકો જાગી ગયા અને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા.

ગંભીર ઈજાઓ વચ્ચે પણ બચાવ્યું ત્રણ લોકોનું જીવન

આ લડાઈમાં ‘નેક્ટર’ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દીપડાએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, છતાં તેણે દીપડાને લોકો સુધી પહોંચવા દીધો નહીં. આખરે ગંભીર ઈજાઓના કારણે ‘નેક્ટર’એ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ છોડ્યા હતા. તેના બલિદાનથી ત્રણ લોકોનો જીવ બચી ગયો હતો. ઘટનાના સાક્ષી રહેલા વિશાલ પટેલે જણાવ્યું કે દીપડો ‘નેક્ટર’ પર સતત હુમલો કરતો હતો. તેમણે કહ્યું કે “દીપડો તેનું લોહી પીતો હતો, પરંતુ અમે તેને બચાવવા માટે કંઈ કરી શક્યા નહીં. ‘નેક્ટર’ અંતિમ શ્વાસ સુધી દીપડા સામે લડતો રહ્યો અને ત્રણ લોકોનો જીવ બચાવી ગયો.”

સોશિયલ મીડિયા પર ‘નેક્ટર’ને શ્રદ્ધાંજલિ

પોતાના માલિક ઉપરાંત ત્રણ અજાણ્યા લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર ‘નેક્ટર’ની બહાદુરીને સમગ્ર નવસારી જિલ્લામાં સલામ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ તેને વફાદારી અને બહાદુરીનું જીવંત પ્રતીક ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી છે.


આ પણ વાંચો: વફાદારીની મિસાલ! માલિકની મોત બાદ 4 મહિનાથી હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યો છે કૂતરો

આ પણ વાંચો:જામનગરમાં શ્વાન પર ક્રૂરતા CCTVમાં કેદ, લાકડીથી માર મારતો વીડિયો વાયરલ થતાં રોષ ફેલાયો

આ પણ વાંચો: ChatGPTની અજાયબી, એક સામાન્ય માણસે પોતાના પાલતુ શ્વાન માટે કેન્સરની રસી બનાવવા માટે કર્યો  AI નો ઉપયોગ