Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. હેકરે યુવકના મોબાઈલમાં ‘love chat.apk’ નામની શંકાસ્પદ ફાઈલ ઇન્સ્ટોલ કરાવી ફોનનો એક્સેસ મેળવી લીધો (APK File Scam) હતો. ત્યારબાદ બેંક સંબંધિત માહિતીનો ઉપયોગ કરીને PayU પેમેન્ટ ગેટવે મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેના ખાતામાંથી કુલ ₹9.48 લાખથી વધુની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
APK File Scam: મેસેજ મોકલી મોબાઈલમાં ફાઈલ ઇન્સ્ટોલ કરાવી
મળતી માહિતી મુજબ, રાણીપમાં રહેતા અને મોબાઈલ સ્ટોરમાં નોકરી કરતા 29 વર્ષીય રાજ જિતેન્દ્રકુમાર શેઠને 31 ઓક્ટોબરના રોજ અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મારફતે તેમને ‘love chat.apk’ નામની ફાઈલ ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ફાઈલ ઇન્સ્ટોલ થયા બાદ હેકરે તેમના મોબાઈલનો એક્સેસ મેળવી બેંક એકાઉન્ટ અને પાસવર્ડ સહિતની માહિતી મેળવી લીધી હતી.
PayU ગેટવે મારફતે ₹9.48 લાખ ટ્રાન્સફર
મોબાઈલનો એક્સેસ મેળવ્યા બાદ હેકરે PayU પેમેન્ટ ગેટવે (PayU Payment Gateway Fraud)નો ઉપયોગ કરીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ રીતે રાજ શેઠના બેંક ખાતામાંથી કુલ ₹9,48,493.83ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર (Online Banking Fraud) કરી લેવામાં આવી હતી.
મોબાઈલ બેન્કિંગ એપ ન ખુલતાં ફ્રોડની જાણ થઈ
1 નવેમ્બરના રોજ રાજ શેઠે પોતાની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એપ્લિકેશન શરૂ થઈ નહોતી. ત્યારબાદ તેમણે નવો પાસવર્ડ સેટ કરીને ફરીથી લોગિન કરતાં ખાતામાંથી મોટી રકમ કપાઈ ગયાનું ધ્યાનમાં આવ્યું હતું.
વધુ તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ તેમના મોબાઈલ પર આધાર OTPનો મેસેજ પણ આવ્યો હતો. આ અંગે તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.
મોબાઈલની તપાસમાં શંકાસ્પદ APK ફાઈલ મળી
ત્યારબાદ યુવકે સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) પોલીસ સ્ટેશનમાં જઈને મોબાઈલની તપાસ કરાવી હતી. ટેકનિકલ નિષ્ણાતોને ફોનમાંથી ‘love chat.apk’ નામની શંકાસ્પદ ફાઈલ મળી આવી હતી. આ મામલે હેકર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: દુબઈથી ગુજરાત સુધી સાયબર ઠગાઈનું નેટવર્ક! કડી-કલોલમાંથી 6.15 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા
આ પણ વાંચો: અમદાવાદમાં ₹1.96 લાખની સાયબર ઠગાઈ,3 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદથી અમેરિકામાં સાયબર ઠગાઈનો ખેલ! 7 સભ્યોની ગેંગ ઝડપાઈ
