Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મંદિર બંધ થયા બાદ અસામાજિક તત્વો (Anti Social Elements)દ્વારા દારૂ, ગાંજો અને ચરસનું સેવન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, કેટલાક તત્વો ભગવાનના ધામમાં બેસીને જુગાર પણ રમતા હોવાની માહિતી સામે આવી છે.
આ સમગ્ર મામલે રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા વીડિયો પુરાવા સાથે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે. અરજી મળ્યા બાદ પોલીસે મામલે કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.
મંદિર અને બગીચા આસપાસ અસામાજિક પ્રવૃત્તિઓ
મળતી માહિતી મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર અને તેની બાજુમાં આવેલ “અમૂલનો બગીચો” ઘણા વર્ષોથી અહીં સ્થિત છે. બગીચાનું સંચાલન અમૂલ દ્વારા કરવામાં આવે છે.
ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે બપોરના સુમસામ સમયે અંદાજે 12:30 થી 4:30 દરમિયાન અને રાત્રે 8:30 બાદથી આખી રાત સુધી કેટલાક અસામાજિક તત્વો (Anti Social Elements)મંદિરના પગથિયાં પર બેસીને ગાંજો, ચરસ, દારૂ અને ધૂમ્રપાન જેવા નશીલા પદાર્થોનું સેવન કરે છે.
આ દરમિયાન તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરે છે. ઉપરાંત મંદિરના પગથિયાં પર પાન-મસાલા ખાઈને ગંદકી ફેલાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના વીડિયો પુરાવા પણ ટ્રસ્ટ પાસે હોવાનું જણાવાયું છે.
પોલીસને બે અરજી, પેટ્રોલિંગ વધારવાની માંગ
રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ અરજી આપી મંદિર અને બગીચાની આસપાસ નિયમિત પોલીસ પેટ્રોલિંગ તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજી મળ્યા બાદ પોલીસ સક્રિય
આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. જી. જોશીએ જણાવ્યું હતું કે મંદિર તરફથી અરજી મળ્યા બાદ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઉપરાંત મંદિર આસપાસ કાયમી પોલીસ પોઈન્ટ મુકવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંદિર ટ્રસ્ટની અરજી પર ત્વરિત પગલાં લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
