Aditya Poddar Success Story: દિલ્હીના આદિત્ય પોદ્દારે કોર્પોરેટ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડા જ વર્ષોમાં એક સફળ બ્રાન્ડ ઊભી કરી. આદિત્યએ 2022માં ‘ફિટફીસ્ટ’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે આ કંપની પ્રોટીન શેક, પ્રોટીન બાર, પ્રોટીન ચિપ્સ, કૂકીઝ અને પીનટ બટર જેવી પ્રોડક્ટ્સ વેચે છે અને દર મહિને કરોડો રૂપિયાની આવક મેળવી રહી છે.

ફિટનેસમાંથી મળ્યો બિઝનેસનો આઈડિયા
આદિત્યએ(Aditya Poddar) JEET નોઈડામાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું હતું. ત્યારબાદ તેમણે લગભગ બે વર્ષ સુધી એક કંપનીમાં એનાલિટિક્સની ભૂમિકામાં કામ કર્યું. પોતાની ફિટનેસ જર્ની દરમિયાન તેમને સમજાયું કે ભારતીય બજારમાં પ્રોટીન આધારિત પ્રોડક્ટ્સ ઘણી વખત મોંઘી હોય છે અને તેનો સ્વાદ પણ દરેકને પસંદ પડે એવો નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે પ્રોટીનને સામાન્ય લોકો માટે વધુ સસ્તું અને સ્વાદિષ્ટ બનાવવાનો વિચાર કર્યો. પરિવાર અને મિત્રો પાસેથી મળેલા સહયોગ તેમજ પોતાની બચતથી તેમણે 2022માં સ્ટાર્ટઅપની શરૂઆત કરી.

50થી વધુ ફોર્મ્યુલા પર થયું કામ
બ્રાન્ડ શરૂ કરતા પહેલાં આદિત્યએ(Aditya Poddar) ફૂડ ટેક્નોલોજિસ્ટ્સ સાથે લગભગ 6થી 12 મહિના સુધી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર કામ કર્યું. યોગ્ય સ્વાદ અને પોષણનું સંતુલન મેળવવા માટે 50થી વધુ ફોર્મ્યુલેશન અજમાવવામાં આવ્યા. શરૂઆતમાં મેન્યુફેક્ચરિંગ અને અનુભવી ટીમ તૈયાર કરવી પડકારરૂપ હતું, પરંતુ ધીમે ધીમે બિઝનેસ આગળ વધતો ગયો. ફિટફીસ્ટ સાથે ક્રિકેટના જાણીતા નામો શેન વોટસન અને અક્ષર પટેલ પણ જોડાયા છે. તેઓ બ્રાન્ડ એમ્બેસેડર ઉપરાંત કંપનીમાં ઇક્વિટી શેરહોલ્ડર અને કો-ક્રિએટર તરીકે પણ જોડાયેલા હોવાનું જણાવાય છે.

શાર્ક ટેન્ક બાદ વધ્યો વિશ્વાસ
‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ની ચોથી સીઝનમાં દેખાયા બાદ બ્રાન્ડની ઓળખ વધુ વધી. કંપનીના જણાવ્યા પ્રમાણે તેના બિઝનેસનો મોટો હિસ્સો નોન-મેટ્રો શહેરોમાંથી આવે છે અને મોટાભાગનું વેચાણ પોતાની વેબસાઇટ દ્વારા થાય છે.

શરૂઆતના મહિને માત્ર 1 લાખ રૂપિયાની આવકથી શરૂ થયેલા બિઝનેસે નાણાકીય વર્ષ 2024-25માં 2.4 કરોડ અને 2025-26માં 7 કરોડ રૂપિયાનું વાર્ષિક નેટ રેવન્યુ નોંધાવ્યું હોવાનું જણાવાયું છે. હાલ 22 લોકોની ટીમ સાથે કંપની દર મહિને 2 કરોડ રૂપિયાથી વધુ રેવન્યુ મેળવી રહી છે. હવે આદિત્યનું(Aditya Poddar) લક્ષ્ય આગામી બે વર્ષમાં વાર્ષિક 100 કરોડ રૂપિયાની આવક સુધી પહોંચવાનું છે.
