Patan News/ પાટણમાં વન્યપ્રાણીનો ખોફ! વૌવા ગામમાં એક પછી એક લોકો પર હુમલો, 3ની હાલત ગંભીર

Wild Animal Attack: પાટણના સાંતલપુરના વૌવા ગામમાં અજાણ્યા વન્યપ્રાણીએ 15થી વધુ લોકો પર હુમલો કર્યો. 3 લોકો ગંભીર, ગ્રામજનોને શિયાળ હોવાની આશંકા; વન વિભાગની તપાસ શરૂ.

Uncategorized
Wild Animal Attack: બાળકો-મહિલાઓ સહિત 15થી વધુ લોકો હોસ્પિટલમાં

Patan News: પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં વહેલી સવારે અજાણ્યા વન્યપ્રાણીએ આતંક મચાવ્યો હતો. ગામમાં ઘૂસેલા પ્રાણીએ 15થી વધુ ગ્રામજનોને બચકાં ભરતાં (Wild Animal Attack) તમામને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોમાં હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાની આશંકા છે, જોકે વન વિભાગે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

વહેલી સવારે ગામમાં મચી અફરાતફરી

વૌવા ગામમાં (Vauva Village) વહેલી સવારે લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક એક વન્યપ્રાણી ગામમાં ઘૂસી આવ્યું હતું. ઘરઆંગણે તેમજ રસ્તા પર રહેલા લોકો પર તેણે હુમલો કર્યો હતો. એક પછી એક લોકો પર હુમલો થતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

15થી વધુ ગ્રામજનોને સારવાર માટે ખસેડાયા

હુમલામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા (15 People Injured) હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી તાત્કાલિક ધારપુરની GMERS હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તમામ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ત્રણ દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમની વિશેષ સારવાર ચાલુ હોવાનું જણાવાયું છે.

Wild Animal Attack: પુત્રને બચાવવા શિયાળને મુક્કો માર્યો

ઈજાગ્રસ્ત લક્ષ્મણ આહીરના જણાવ્યા મુજબ, વહેલી સવારે એક શિયાળ તેમના ઘર તરફ (Fox Attack) આવ્યું હતું અને તેમના પુત્રને પકડી લીધો હતો. પુત્રને બચાવવા તેઓ આગળ વધ્યા અને પ્રાણીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ પ્રાણી ઠાકોરવાસ સહિતના અન્ય વિસ્તારોમાં પહોંચ્યું હતું અને અનેક લોકો પર હુમલો કર્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

આ વન્યપ્રાણીએ માત્ર ગ્રામજનોને જ નહીં, પરંતુ પાલતુ પશુઓને પણ નિશાન બનાવ્યા હોવાની માહિતી છે. વૌવા ગામમાં એક ગાય અને તેના વાછરડાને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા દર્દીઓમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત વિવિધ વયજૂથના લોકોનો સમાવેશ થાય છે. તબીબી ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર અને રસી સંબંધિત તબીબી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ વૌવા ગામે પહોંચી ગઈ હતી. સ્થળ પરથી પ્રાણીના પગમાર્ક સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હુમલો કરનાર પ્રાણી ખરેખર શિયાળ હતું કે અન્ય કોઈ જંગલી પ્રાણી, તે અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

‘શિયાળ’ હોવાની આશંકા, સત્તાવાર પુષ્ટિ બાકી

ગ્રામજનો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, વન વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. ટેકનિકલ તપાસ અને સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે પ્રાણીની ઓળખ સ્પષ્ટ થયા બાદ જ સત્તાવાર માહિતી સામે આવશે. ગામમાં હજુ પણ પ્રાણી હોવાની શક્યતાને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગ્રામજનોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને નાના બાળકોને એકલા બહાર ન મોકલવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ પ્રાણીને શોધી પકડવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થિનીને NEET PG પરીક્ષામાં પ્રવેશ ન મળતાં માતા બેભાન

આ પણ વાંચો: છત ધરાશાયી થતાં ભુજમાં હડકંપ, વર્ષોથી જોખમી ઇમારતો સામે નક્કર કાર્યવાહીની માગ

આ પણ વાંચો: મહેસાણાના કડા ગામે ગૌચર જમીનમાં રૂ.98 લાખના ખનનનો આક્ષેપ, અધિકારી સામે કાર્યવાહી