NEET PG Exam Gujarat: દેશભરમાં આજે NEET PGની પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર સહિત દેશભરમાંથી 2.73 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં ચાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મીય યુનિવર્સિટી અને મેટોડા સહિતના કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
વિદ્યાર્થિની મોડી પહોંચતા પ્રવેશ ન મળ્યો
રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્ર પર મોડી પહોંચતા શરૂઆતમાં તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દીકરીને પરીક્ષા આપવા ન મળતાં તેની માતા ભાવુક થઈ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી.
માતાની હાલત એટલી કફોડી બની કે તેઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે કેન્દ્રની બહાર હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
અંતે વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા દેવાઈ
ઘટનાની જાણ થતાં પરીક્ષા કેન્દ્રના સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા દેવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો.
અમદાવાદમાં ત્રણ ઉમેદવાર પરીક્ષાથી વંચિત
બીજી તરફ અમદાવાદમાં પણ પરીક્ષામાં મોડું પહોંચવાના કારણે ત્રણ ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નહોતા. અમદાવાદના સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે ત્રણ ઉમેદવારો મોડા પહોંચ્યા હતા.
આ ત્રણેય ઉમેદવારોમાં બે ઉમેદવાર બોટાદથી અને એક ઉમેદવાર જૂનાગઢથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યો હતો. જોકે, મોડું પહોંચવાના કારણે તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા.
NEET PG જેવી મહત્વની પરીક્ષામાં સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું મહત્વ આ બંને ઘટનાઓથી ફરી સામે આવ્યું છે.
આ પણ વાંચો: NEET પેપર લીક મામલે CBI નો મોટો ખુલાસો; NTA ના નિષ્ણાતો જ નીકળ્યા માસ્ટરમાઇન્ડ
આ પણ વાંચો: NEET વિરોધ પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; પોલીસ અને અપરાધિક તત્વો બંને પર નજર
આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણી અટકી, CBIના વકીલ હાજર ન રહેતા કાર્યવાહી ટળી
