Bhuj News: ભુજ શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગેરવાડી વંડી વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક જૂના મકાનની છતનો ભાગ ધરાશાયી (Bhuj Building Collapse) થતાં મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનાએ ભૂકંપના 25 વર્ષથી વધુ સમય બાદ પણ શહેરના પાંચ નાકા અંદરના વિસ્તારોમાં જોખમી સ્થિતિમાં ઉભેલી જૂની ઇમારતો અને એપાર્ટમેન્ટ સામે તંત્રની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
છત ધરાશાયી થતાં ફરી જાગ્યો ભય
ગેરવાડી વંડીમાં (Gerwadi Vandi) બનેલી છત ધરાશાયી થવાની ઘટના શહેર માટે ચેતવણી સમાન બની છે. શહેરના અંદરના વિસ્તારોમાં આજે પણ અનેક જૂના મકાનો, છજ્જા અને બાંધકામો નબળી સ્થિતિમાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આવા બાંધકામો રહેણાંક વિસ્તાર અથવા વાહનવ્યવહારવાળા રસ્તા પર અચાનક ધરાશાયી (Old Buildings) થાય તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે.
Bhuj Building Collapse: લંગા શેરીથી તળાવ શેરી સુધી જોખમ
સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુજબ, લંગા શેરી, તળાવ શેરી, પ્રભુ દર્શન એપાર્ટમેન્ટના વળાંક પાસેની ખાનગી મિલકતો તેમજ પૂજા ડાઇનિંગ હોલ સામે આવેલી કેટલીક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાનું જણાવાયું છે. સાંકડા રસ્તાઓ અને ગીચ રહેણાંક વિસ્તારોને કારણે જો કોઈ મોટી ઇમારત અથવા છજ્જો ધસી પડે તો રાહત અને બચાવ કામગીરી પણ મુશ્કેલ બની શકે છે.
2001ના ભૂકંપની યાદ હજુ તાજી
ભુજમાં 2001ના વિનાશક ભૂકંપ દરમિયાન અનેક જૂની અને નબળા બાંધકામવાળી મિલકતોને નુકસાન થયું હતું. ભૂકંપ બાદ વર્ષો વીતી ગયા હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં જૂના બાંધકામો હજુ પણ જોખમી સ્થિતિમાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ જોખમી ઇમારતોનું યોગ્ય મૂલ્યાંકન અને જરૂરી કાર્યવાહી થવી જોઈએ.
2023ના સર્વેમાં છ મિલકતો જોખમી ગણાઈ હતી
મળતી માહિતી મુજબ, વર્ષ 2023માં ભુજના અજાણી ટાવર્સમાંથી પથ્થરો રસ્તા પર પડવાની ઘટના બાદ જોખમી બાંધકામો અંગે સર્વે હાથ ધરવામાં (Bhuj Municipality) આવ્યો હતો. કલેક્ટર, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની કોર કમિટીએ છ જેટલી મિલકતોને જોખમી ગણાવી હોવાનું જણાવાયું હતું. આ પૈકી રેલવે સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ના પાર્ક બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ નીમઢોર શેરીમાં આવેલા રૂપારેલ કોમ્પ્લેક્સના માળ ઉતારવામાં આવ્યા હતા.
હજુ કેટલીક જોખમી ઇમારતો યથાવત
જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ રવિ ટોકીઝ પાછળ આવેલી સ્મૃતિ બિલ્ડિંગ, ભાવેશ્વરનગરનું પારેખ કોમ્પ્લેક્સ, રણછોડવાડીનું વિકાસ-1 એપાર્ટમેન્ટ અને પાંજરાપોળ શેરીની શિલાલેખ ઇમારત હજુ પણ યથાવત છે. આ ઇમારતોની હાલની સ્થિતિ અંગે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
આ મુદ્દે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક મિતેશ શાહ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સર્વે અને નોટિસ જેવી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જોખમી બાંધકામોને દૂર કરવા અથવા સુરક્ષિત કરવાની દિશામાં પૂરતી નક્કર કામગીરી થતી નથી.
દુર્ઘટના થાય તો જવાબદારી કોની?
જર્જરિત ઇમારતો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે? સ્થાનિકોમાં આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની પણ માગ ઉઠી છે. નગરપાલિકા પાસે સાધનો અને નીતિગત નિર્ણયની મર્યાદાઓ હોવાની વાત સામે આવતી હોવા છતાં, નાગરિકોનું કહેવું છે કે દુર્ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવા કરતાં અગાઉથી જોખમ દૂર કરવું વધુ જરૂરી છે.
તજજ્ઞોની ટીમ બનાવી રિયલ-ટાઇમ સર્વેની માગ
હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ નાકા અંદરના સમગ્ર વિસ્તારમાં તજજ્ઞ સિવિલ ઇજનેરોની ટીમ બનાવી રિયલ-ટાઇમ ટેકનિકલ સર્વે કરવાની માગ કરવામાં આવી છે. જે ઇમારતો ખરેખર જોખમી જણાય ત્યાં કાયદેસરની પ્રક્રિયા હેઠળ તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં, જરૂરી હોય તો બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અને અસરગ્રસ્ત રહેવાસીઓના સુરક્ષિત પુનર્વસન અંગે આયોજન કરવામાં આવે તેવી માંગ છે. ગેરવાડી વંડીમાં બનેલી તાજેતરની ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર જોખમી ઇમારતો અંગે માત્ર નોટિસ અને સર્વે પૂરતું સીમિત રહે છે કે પછી મેદાન પર નક્કર કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: મહેસાણાના કડા ગામે ગૌચર જમીનમાં રૂ.98 લાખના ખનનનો આક્ષેપ, અધિકારી સામે કાર્યવાહી
આ પણ વાંચો: નેપાળ પૂર બાદ અમદાવાદનું પટેલ દંપતી 4 દિવસથી ગુમ, પરિવાર ચિંતામાં
આ પણ વાંચો: વડોદરામાં 10 કરોડના LED બોર્ડમાં ખોટનો સોદો! 2 વર્ષમાં 44 લાખની આવક સામે 1.25 કરોડનું વીજ બિલ
