Vadodara News : શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા LED બોર્ડ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કમાણી કરતાં ખોટનો સોદો સાબિત થઈ રહ્યા છે. શહેરમાં વર્ષ 2024 દરમિયાન અંદાજે 10 કરોડના ખર્ચે 36 એલઈડી બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જોકે, બે વર્ષના સમયગાળામાં આ એલઈડી બોર્ડમાંથી થયેલી આવક અને તેના સંચાલન પાછળ થયેલા ખર્ચના આંકડા સામે આવતા પાલિકાના આયોજન સામે સવાલો ઊભા થયા છે.
36 LED બોર્ડથી માત્ર 44 લાખની આવક
સ્માર્ટ સિટી (Smart City Vadodara)પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા 36 LED બોર્ડથી બે વર્ષમાં કોર્પોરેશનને માત્ર 44 લાખની આવક થઈ છે. બીજી તરફ, આ એલઈડી બોર્ડ માટેના વીજ બિલ પાછળ જ કોર્પોરેશનને આશરે 1.25 કરોડનો ખર્ચ કરવો પડ્યો છે.
એટલે કે, જાહેરાત મારફતે થયેલી આવક કરતાં માત્ર વીજળી પાછળ થયેલો ખર્ચ જ અનેક ગણો વધારે રહ્યો છે. આ ઉપરાંત એલઈડીબોર્ડ સ્થાપિત કરવા પાછળ થયેલા શરૂઆતના આશરે 10 કરોડના ખર્ચને જોતા સમગ્ર પ્રોજેક્ટની આર્થિક ઉપયોગિતા સામે પણ સવાલો ઊભા થયા છે.
હોર્ડિંગ ફ્રી શહેરની જાહેરાત પણ ચર્ચામાં
એલઈડી બોર્ડ શરૂ કરવામાં આવ્યા તે પહેલાં VMC દ્વારા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં પરંપરાગત હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના કારણે હોર્ડિંગ્સમાંથી કોર્પોરેશનને મળતી આવકમાં પણ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
ડિજિટલ જાહેરાતથી આવકનો હેતુ, પરંતુ પરિણામ વિપરીત
પરંપરાગત હોર્ડિંગ્સના બદલે ડિજિટલ એલઈડી બોર્ડ દ્વારા જાહેરાત (Digital Advertising)માંથી આવક ઊભી કરવાનો હેતુ હતો. જોકે, બે વર્ષના આંકડા જોતા અપેક્ષિત આવક ઊભી થઈ શકી નથી. 10 કરોડના પ્રારંભિક ખર્ચ, 1.25 કરોડના વીજ ખર્ચ અને માત્ર 44 લાખની આવક વચ્ચેનો તફાવત હવે પાલિકાના આયોજન અને પ્રોજેક્ટની વ્યવહારિકતા અંગે ચર્ચા ઊભી કરી રહ્યો છે.
હવે સવાલ એ છે કે શહેરને હોર્ડિંગ ફ્રી બનાવ્યા બાદ શરૂ કરાયેલા આ ડિજિટલ જાહેરાત પ્રોજેક્ટથી કોર્પોરેશનને ખરેખર ક્યારે અને કેટલી આવક થશે? તેમજ એલઈડી બોર્ડના જાળવણી અને સંચાલન પાછળ ભવિષ્યમાં કેટલો વધુ ખર્ચ થશે, તે પણ જોવાનું રહેશે.
આ પણ વાંચો:વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ
આ પણ વાંચો:પોલીસે ગેરકાયદે એલઈડી Light સામે ઝુંબેશ તો ચાલુ કરી, પરંતુ તેની તીવ્રતા માપવાનું સાધન જ નથી
આ પણ વાચો: વડોદરામાં લાલબત્તી સમાન ઘટના, 4 વર્ષની બાળકી LED લાઈટ મોંઢામાં ગળી ગઈ
