Banaskantha News: ધાનેરા તાલુકામાં એક પરિણીત મહિલાએ તાંત્રિકવિધિ (Tantrik Vidhi Case) અને દોરા-ધાગાના બહાને પોતાની સાથે છેતરપિંડી કરી ધર્મપરિવર્તન કરાવાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પેગિયા ગામની 30 વર્ષીય મહિલાએ તેના પતિના મિત્ર અખ્તરશા રજબશા ફકીર સહિત ચાર લોકો સામે ફરિયાદ કરી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં બળજબરી, ધમકી, બ્લેકમેલિંગ અને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
મહિલા હાલ પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે મહિલાએ ધર્મપરિવર્તન સંબંધિત એક વીડિયો પણ પોલીસને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે ધાનેરા પોલીસે અખ્તરશા રજબશા ફકીરની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.
Tantrik Vidhi Case: તબિયત ખરાબ રહેતી હોવાથી પતિના મિત્રની અવરજવર વધી
મહિલાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન થરાદ પંથકના એક યુવક સાથે થયા હતા અને લગ્ન બાદ બંને પાલનપુરમાં રહેતા હતા. તેનો પતિ રિક્ષા ચલાવતો હતો. મહિલાની તબિયત વારંવાર ખરાબ રહેતી હોવાથી તેના પતિના મિત્ર અખ્તરશા રજબશાએ તાંત્રિકવિધિ (Tantrik Vidhi Case) અને દોરા-ધાગા કરાવવાની વાત કરી હતી. આ બહાને અખ્તરશાની મહિલાના ઘરે અવરજવર વધતી ગઈ અને ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
Tantrik Vidhi Case: ધર્મપરિવર્તન કરાવ્યાનો મહિલાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, પતિ સાથે અણબનાવ થતાં મહિલા પતિથી અલગ રહેવા લાગી હતી અને અખ્તરશા સાથે રહેતી હતી. આ દરમિયાન અખ્તરશાએ બળજબરીથી તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે અખ્તરશા રજબશા ફકીર ઉપરાંત આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.
Tantrik Vidhi Case: અગાઉ ફરિયાદ કર્યા બાદ સમાધાન માટે દબાણનો આક્ષેપ
મહિલાના જણાવ્યા પ્રમાણે તેણે આ મામલે અગાઉ 7 એપ્રિલ 2026ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, મહિલાનો આક્ષેપ છે કે તેને જાનથી મારી નાખવાની તેમજ સમાધાન નહીં કરે તો તેની દીકરીઓનું અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણના કારણે તેણે સમાધાન કર્યું હોવાનું અને બાદમાં હાઈકોર્ટમાં જઈ અગાઉની FIR રદ કરાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Tantrik Vidhi Case: જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી ત્રાસ આપ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ અખ્તરશા મહિલાને પોતાની સાથે રાખવાનું કહી તેને પેગિયા ગામે લઈ ગયો હતો. મહિલાનો આક્ષેપ છે કે ત્યાં પહોંચ્યાના થોડા દિવસોમાં જ ફરીથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હોવા છતાં તેની બંને દીકરીઓનું પણ ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ બનાવવાની વાત કરવામાં આવતી હતી. આ મુદ્દે તેની સાથે મારપીટ, મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા દબાણ અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
Tantrik Vidhi Case: અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગનો આક્ષેપ
મહિલાએ વધુ એક ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે અખ્તરશા ઉપરાંત આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેના અને અખ્તરશાના અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ રીતે વીડિયોનો ઉપયોગ કરીને તેને દબાણમાં રાખવામાં આવતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.
Tantrik Vidhi Case: પોલીસને વીડિયો સોંપાયો, એક આરોપીની અટકાયત
સમગ્ર મામલે મહિલાએ ધાનેરા પોલીસ મથકે પહોંચી ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાનો એક વીડિયો પણ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદના આધારે પોલીસે અખ્તરશા રજબશા ફકીરની અટકાયત કરી છે. અન્ય આરોપીઓની ભૂમિકા, મહિલાના આક્ષેપોની હકીકત અને અગાઉની ફરિયાદ સહિતના મુદ્દાઓને લઈને પોલીસે તપાસ આગળ ધપાવી છે.
આ પણ વાંચો:એરફોર્સ કર્મચારીની પત્નીનો ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેઇલ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ
આ પણ વાંચો:અમદાવાદમાં ધર્મપરિવર્તન કરાવાયું હોવાનો VHPનો આક્ષેપ, ચર્ચના સભ્યએ તમામ આક્ષેપો ફગાવી નોંધાવી FIR
આ પણ વાંચો:ધર્મપરિવર્તન કરી અશોક સુથાર અબુ બકર બની ગયો હતો,7 દિવસના રિમાન્ડ મંજુર
