Surat News/ સુરત PSI મિસફાયરિંગ: પિસ્ટલમાં 2 ગોળી, ફસાયેલી ગોળી કાઢતાં ફાયરિંગ; લારીચાલકની હાલત સ્થિર

સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં PSIની સર્વિસ પિસ્ટલથી થયેલા મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)માં લારીચાલક અરવિંદ પટેલ ઘાયલ થયા હતા. પિસ્ટલમાં બે ગોળી હોવાનું સામે આવ્યું છે અને હથિયાર FSLમાં મોકલાયું છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat PSI Misfiring Case: પિસ્ટલમાં બે ગોળી હોવાનો ખુલાસો

Surat News: સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ હથિયાર સાફ કરતી વખતે થયેલા મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)ની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય લારીચાલક અરવિંદ પટેલની હાલત હવે સ્થિર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની તપાસમાં પોલીસ હથિયારમાં બે ગોળી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, એક ગોળી હથિયારમાં ફસાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન બીજી ગોળી પણ ત્રાંસી રીતે ફસાઈ ગઈ હતી. હથિયારમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની આશંકાને પગલે પોલીસે પિસ્ટલને સીઝ કરીને વધુ તપાસ માટે FSLમાં મોકલી છે.

Surat PSI Misfiring Case: ફસાયેલી ગોળી કાઢતી વખતે મિસફાયર થયું

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ PSI મકવાણા સર્વિસ પિસ્ટલની સફાઈ કરી રહ્યા હતા. પિસ્ટલમાં એક ગોળી ફસાઈ ગઈ હતી. તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક ફાયરિંગ થઈ ગયું હતું. ફાયરિંગ દરમિયાન નીચેથી લોડ થયેલી બીજી ગોળી પણ ત્રાંસી રીતે ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઓટોમેટિક હથિયારમાં એક રાઉન્ડ ફાયર થયા બાદ મિકેનિઝમ દ્વારા આગળનો રાઉન્ડ લોડ થતો હોય છે. આ ઘટનામાં પણ આવી જ પ્રક્રિયા બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હથિયારમાં ચોક્કસ ટેકનિકલ ખામી હતી કે કેમ તે FSLની તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

ગોળી પેટમાંથી પસાર થઈ, આંતરડાને ગંભીર નુકસાન

ફાયરિંગમાં અરવિંદ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગોળી હૃદયની નીચેના ભાગ પાસેથી પસાર થઈ પેટમાં ઘૂસી ગઈ હતી અને તેના કારણે નાના આંતરડાને ગંભીર નુકસાન થયું હતું. ઘટના બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ રાત્રે આશરે 11:30થી 12 વાગ્યાની વચ્ચે તાત્કાલિક સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન નાના આંતરડાનો ક્ષતિગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવ્યો હતો. સદનસીબે ગોળીથી કિડની તથા શરીરની મુખ્ય નસોને નુકસાન થયું ન હોવાથી અરવિંદ પટેલની હાલત હવે સ્થિર હોવાનું જણાવાયું છે.

પોલીસ ઉઠાવશે સારવારનો તમામ ખર્ચ

કાપોદ્રા પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. સોલંકીએ જણાવ્યું હતું કે અરવિંદ પટેલની હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારનો તમામ ખર્ચ પોલીસ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ તેમને સારવાર અથવા અન્ય કોઈ પ્રકારની મદદની જરૂર પડશે તો પોલીસ વિભાગ તરફથી જરૂરી સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

PSI સામે ખાતાકીય કાર્યવાહી શક્ય

મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)ની ગંભીર ઘટનાને પગલે PSI મકવાણા સામે ખાતાકીય કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PSI સામે સસ્પેન્શન સહિતના શિક્ષાત્મક પગલાં અંગેનો અંતિમ નિર્ણય પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવશે. હાલ હથિયાર FSLમાં મોકલવામાં આવ્યું હોવાથી ટેકનિકલ તપાસ અને ઘટનાની અન્ય વિગતો સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી થશે.

Surat PSI Misfiring Case
Surat PSI Misfiring Case

Surat PSI Misfiring Case: લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અરવિંદ પટેલ

ઈજાગ્રસ્ત અરવિંદ પટેલ મૂળ કામરેજના વતની છે. તેઓ નાના વરાછા ઢાળ નજીક હોઝિયરીની લારી ચલાવી પત્ની સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની આવક માટે તેમની પરિણીત દીકરી પણ રત્નકલાકાર તરીકે કામ કરે છે. અચાનક બનેલી ફાયરિંગની ઘટનાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે, પોલીસ વિભાગે સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારતા પરિવારને થોડી રાહત મળી છે.

FSL રિપોર્ટ બાદ વધુ હકીકતો સામે આવશે

હાલ પોલીસ દ્વારા મિસફાયરિંગ (Surat PSI Misfiring Case)ની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પિસ્ટલને FSLમાં મોકલવામાં આવી હોવાથી હથિયારમાં ખામી, ગોળીઓની સ્થિતિ અને ફાયરિંગ કેવી રીતે થયું તે અંગેનો ટેકનિકલ રિપોર્ટ મહત્વનો રહેશે. અરવિંદ પટેલની હાલત સ્થિર હોવા છતાં તેઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો:સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:સુરતના કુખ્યાત વસીમ બીલ્લા પર નવસારીમાં ફાયરિંગ, ઘટના સ્થળે જ મોત