મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક ગંભીર અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે. એરફોર્સના એક કર્મચારીની 24 વર્ષીય પત્નીએ પોતાના જૂના ક્લાસમેટ અને તેના સાથીદારો વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેઇલ, નાણાં ઉઘરાણી, કથિત કાળા જાદૂ તથા બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
પોલીસે આ મામલે મુખ્ય આરોપી અયાજ મદારે અને તેના સાથી અમીન શેખની ધરપકડ કરી છે. જ્યારે ધર્મપરિવર્તન કરાવવાના આરોપ હેઠળ એક મૌલાનાની શોધખોળ માટે નાગપુર પોલીસની ટીમ મધ્ય પ્રદેશ મોકલવામાં આવી છે.
હોટલમાં નશીલો પદાર્થ પીવડાવ્યાનો આરોપ
મળતી માહીતી અનુસાર, 8 ફેબ્રુઆરી 2025ના રોજ એક હોટલમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આરોપી અયાજે મહિલાના પીણામાં કથિત રીતે નશીલો પદાર્થ ભેળવ્યો હતો. મહિલાને ભાન આવતા તેણે જોયું કે તેની આપત્તિજનક તસવીરો અને વીડિયો બનાવવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની અને પતિને મોકલી આપવાની ધમકી આપી મહિલાને બ્લેકમેઇલ કરી હતી. મહિલાનો દાવો છે કે તેની સાથે અનેક વખત યૌન શોષણ કરવામાં આવ્યું અને તેની પાસેથી આશરે 4 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા.
વાયરલ વીડિયો બન્યો મહત્વનો પુરાવો
આ કેસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો તપાસ માટે મહત્વનો પુરાવો માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મહિલા રડતી જોવા મળે છે અને આરોપીને તેને છોડવા માટે વિનંતી કરતી સાંભળવામાં આવે છે. વીડિયોમાં આરોપી મહિલાનો હાથ પકડીને તેના પર ફૂંક મારતો અને ધાર્મિક મંત્રોચ્ચાર કરતો જોવા મળે છે.
મહિલાનો આરોપ છે કે તેને કહેવામાં આવ્યું હતું કે તેનું ધર્મપરિવર્તન થઈ ચૂક્યું છે અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાળો જાદૂ અને હિપ્નોસિસના દાવા
ફરિયાદમાં મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે અયાજ વારંવાર એક પ્લાસ્ટિકની બોટલમાં કોઈ પ્રવાહી લાવતો હતો અને તેને બળજબરીથી પીવડાવતો હતો. ત્યારબાદ તે ઉર્દૂમાં કંઈક બોલતો, તેના ચહેરા પર ફૂંક મારતો અને આ પ્રક્રિયાને હિપ્નોસિસ તથા કાળો જાદૂ ગણાવતો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, આ પછી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું.
બળજબરીથી ધર્મપરિવર્તન અને નિકાહ કરાવ્યાનો આરોપ
ફરિયાદ અનુસાર, 31 મેના રોજ આરોપી અને તેનો સાથી મહિલાને બળજબરીથી કલમેશ્વર લઈ ગયા હતા. ત્યાં એક ત્રીજા વ્યક્તિએ ધાર્મિક વિધિઓ કરાવી અને મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ધર્મપરિવર્તન માટે ‘કબૂલ છે’ બોલાવ્યું હતું.
મહિલાનો દાવો છે કે વિધિ પૂર્ણ થયા બાદ મૌલાનાએ જાહેર કર્યું હતું કે તેણે ઇસ્લામ સ્વીકારી લીધો છે અને અયાજ સાથે તેનો નિકાહ થઈ ગયો છે. મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે તેને બળજબરીથી માંસ ખવડાવવામાં આવ્યું અને કલમા પઢાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એક હોટલમાં લઈ જઈ તેની સાથે ફરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
પોલીસે શરૂ કરી સઘન તપાસ
નાગપુર પોલીસે આરોપીઓ સામે બળાત્કાર, વારંવાર યૌન શોષણ, બ્લેકમેઇલ, ખંડણી, બળજબરીથી ધર્મપરિવર્તન અને અંધશ્રદ્ધા તથા કાળા જાદૂ વિરોધી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
નાગપુરના ડીસીપીએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે. જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, જે કેસમાં મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે. ધર્મપરિવર્તન કરાવવાના આરોપી મૌલાનાની શોધખોળ માટે વિશેષ ટીમ અન્ય રાજ્યમાં મોકલવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
