New Delhi News : મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવી શક્યું નહીં અને તે પસાર ન થતા રાજકીય ગરમાવો વધ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)આજે રાત્રે 8.30 વાગ્યે દેશને સંબોધન કરશે. સંબોધનનો વિષય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે તેઓ મહિલા અનામત બિલ અને સંસદીય વિકાસ અંગે વાત કરી શકે છે.
સરકારી સૂત્રો મુજબ, આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
લોકસભામાં બિલ પર ભારે ચર્ચા છતાં પરાજય
શુક્રવારે લોકસભામાં બંધારણના 131મા સુધારા બિલ પર 21 કલાક સુધી ચર્ચા ચાલી હતી. મતદાન દરમિયાન કુલ 528 સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં 298 મત પક્ષમાં અને 230 મત વિરોધમાં પડ્યા હતા.
પરંતુ બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોવાથી બિલને 352 મતોની જરૂર હતી. પરિણામે બિલ માત્ર 298 મત સાથે 54 મતના અંતરથી નામંજૂર થયું.
સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદી(Pm Modi)એ વિપક્ષ પર મહિલાઓના હિતો વિરુદ્ધ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ મુદ્દાને દેશના દરેક ગામ સુધી પહોંચાડવાની વાત પણ કરી હતી.
બીજી તરફ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે મહિલાઓના હિતના આ બિલનો વિરોધ કરનારને જનતાના રોષનો સામનો કરવો પડશે.
દેશવ્યાપી વિરોધ અને પ્રતિક્રિયા
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા પણ પ્રદર્શન યોજાયું હતું.
ભાજપના નેતાઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરી છે.
મહત્વના સરકારી નિર્ણયો અને ઐતિહાસિક સંદર્ભ
મોદી સરકારના કાર્યકાળમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મોટું સરકારી બિલ સંસદમાં પસાર થઈ શક્યું નથી. અગાઉ વર્ષ 2002 પછી પહેલીવાર કોઈ સરકારી વિધેયકને પરાજય મળ્યો છે.
બંધારણીય સુધારા બિલને 1990 પછી લોકસભામાં પડતું મૂકાયેલું પ્રથમ એવું બિલ માનવામાં આવી રહ્યું છે.
મહિલા અનામત અને સીમાંકનનો મુદ્દો
સરકારનું કહેવું છે કે મહિલા અનામત અમલમાં લાવવા માટે દેશભરમાં સીમાંકન પ્રક્રિયા જરૂરી છે. આ પ્રક્રિયા બાદ જ લોકસભા અને વિધાનસભાની બેઠકોની નવી રચના નક્કી થઈ શકશે.
આ જ કારણે મહિલા અનામત 2029ની ચૂંટણી પહેલા અમલમાં નહીં આવે અને તેની અમલવારી 2034 સુધી લંબાઈ શકે છે.
હવે સમગ્ર દેશની નજર વડાપ્રધાન મોદી(Pm Modi)ના આજના રાત્રિના સંબોધન પર ટકેલી છે, જેમાં તેઓ આ રાજકીય ઘટનાક્રમ પર શું કહે છે તે મહત્વનું રહેશે.
