Unjha Fake Cumin Factory Raid: એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે જાણીતા ઊંઝામાં ફરી એકવાર નકલી મસાલાનું કૌભાંડ સામે આવ્યું છે. ઊંઝાના માધવ એસ્ટેટમાં ધમધમતી એક શંકાસ્પદ ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્રાટકીને નકલી જીરું અને વરિયાળી બનાવવાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે.
Unjha માધવ એસ્ટેટમાં ચાલતું હતું કૌભાંડ
મળતી માહિતી મુજબ, ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિત વસંતલાલની ફેક્ટરીમાં અખાદ્ય જીરું અને વરિયાળી બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી ફૂડ વિભાગને મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડતા ફેક્ટરીની અંદરની હાલત જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

કેવી રીતે બનતું હતું નકલી જીરું?
તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત કલર અને પાઉડરનો જથ્થો મળી આવ્યો છે. આ કલરના ખેલમાં ફેક્ટરીમાંથી બ્રાઉન, કાળો અને લીલો પાવડર જપ્ત કરાયો છે, જેનો ઉપયોગ સામાન્ય પદાર્થોને આબેહૂબ જીરું કે વરિયાળી જેવો દેખાવ આપવા માટે કરવામાં આવતો હતો. ફૂડ વિભાગે આ ફેક્ટરીમાંથી અંદાજે 13,258 કિલો જેટલો શંકાસ્પદ લુઝ જીરાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અધિકારીઓએ આ સમગ્ર મામલે કુલ રૂપિયા 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં
આ ફેક્ટરીમાં બનતું નકલી જીરું અને વરિયાળી બજારમાં ઊંચા ભાવે વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હતા. ફૂડ વિભાગે તમામ શંકાસ્પદ જથ્થાના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ તમે રસોઈમાં નકલી ઘી વાપરતાં તો નથી ને? આખરે ચકાસણી કેવી રીતે કરવી…
આ પણ વાંચો: પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ
આ પણ વાંચો: બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો
