Bhavnagar News : ભાવનગર શહેરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના આંબાચોક વિસ્તારમાં આવેલી નામંકિત મનીષ પરફ્યુમના શોરૂમ તથા નિવાસ સ્થાને, તેમજ મોતીતળાવ વિસ્તારમાં આવેલા ગોડાઉન ખાતે સેન્ટ્રલ જીએસટીની અલગ-અલગ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ અને વડોદરાથી આવેલી સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમોએ આજે બપોરના સમયથી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. શોરૂમ, નિવાસ અને ગોડાઉન સહિતના સ્થળોએ દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે. જીએસટી સંબંધિત હિસાબ-કિતાબ, બિલિંગ અને અન્ય દસ્તાવેજોની તપાસ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા સતત ચાલુ છે.
એકાએક સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમોના આગમનથી શહેરના વેપારી વર્ગમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. હાલ કાર્યવાહી ચાલુ હોવાથી ચોક્કસ કારણો અને પરિણામો અંગે સત્તાવાર માહિતી સામે આવવાની બાકી છે.
