Rajkot News: અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું, જ્યારે કૈલાશધામ આશ્રમ, નાનામૌવાથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા (Rajkot Jagannath Rath Yatra 2026) ભક્તોના જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરી. ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નાદ સાથે હજારો ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. રાજવી માંધાતાસિંહજીના હસ્તે પરંપરાગત પહિંદવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિત અનેક આગેવાનો અને સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 8:30 વાગ્યે શરૂ થયેલી આ રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ લગભગ 22 કિલોમીટરનું અંતર કાપીને સાંજે ફરી કૈલાશધામ આશ્રમ ખાતે નિજ મંદિરે પહોંચવાની છે. યાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનની મહાઆરતી યોજાશે.
Rajkot Jagannath Rath Yatra 2026નું આધ્યાત્મિક મહત્વ
કૈલાશધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રા (Rajkot Jagannath Rath Yatra 2026)એ ભક્તો સુધી ભગવાન પોતે પહોંચે તેવો પાવન અવસર છે. પ્રથમ રથમાં ભગવાન બલભદ્ર, બીજા રથમાં માતા સુભદ્રા અને ત્રીજા રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન રહે છે. તેમણે જણાવ્યું કે રથના દર્શન અને સ્પર્શથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. રથના દોરડા ખેંચવાનું પણ અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે. ભગવાનના આશીર્વાદથી લોકોના જીવનમાં શુભતા અને કલ્યાણનો સંદેશ પ્રસરે છે.
છેલ્લા 19 વર્ષથી પરંપરા યથાવત
મહંતે જણાવ્યું કે રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી આ રથયાત્રા (Rajkot Jagannath Rath Yatra 2026)નું આયોજન થઈ રહ્યું છે. પંચરંગી ધ્વજાથી શોભિત રથ સમગ્ર શહેરમાં ભક્તિ અને એકતાનો સંદેશ ફેલાવે છે. રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે તેમાં સંતો, મહંતો, વિવિધ ધાર્મિક મંડળો અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક અને પરંપરાગત કરતબોની રજૂઆત પણ કરવામાં આવે છે.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રથયાત્રા
નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી રથયાત્રા વૃંદાવન સોસાયટી, પુષ્કરધામ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કોઠારીયા રોડ, દેવપરા, નારાયણનગર, આનંદ બંગલા ચોક, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી કૈલાશધામ આશ્રમ ખાતે પૂર્ણ થશે.
1800થી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત
રથયાત્રા (Rajkot Jagannath Rath Yatra 2026)ને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર દરેક હિલચાલ પર નજર રાખવા માટે 4 DCP, 6 ACP, 23 PI, 91 PSI અને 900થી વધુ પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે.આ ઉપરાંત SRP, હોમગાર્ડ, TRB, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઇમની ટીમો સહિત કુલ 1800થી વધુ સુરક્ષાકર્મીઓ સમગ્ર રથયાત્રાના રૂટ પર તહેનાત રહ્યા છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો એકતા રથ, ભાઈચારાનો આપ્યો સંદેશ
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
