Ahmedabad Couple Missing: તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા અચાનક પૂરની અસરથી નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફત વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા અમદાવાદ મૂળના અને હાલ ન્યૂઝીલેન્ડના નાગરિક દંપતી મિહિર પટેલ અને કિન્નરી પટેલનો છેલ્લા ચાર દિવસથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારજનોને આશંકા છે કે બંને નેપાળમાં ક્યાંક ફસાયા હોઈ શકે છે.
મિહિર પટેલના મોટા ભાઈ અને અમદાવાદના મણિનગરમાં રહેતા પરિવાર તરફથી બંનેનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી મિહિર અને કિન્નરી અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ, મિહિર અને તેમની પત્ની કિન્નરી છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. બંને 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. સિંગાપુર પહોંચ્યા ત્યારે પરિવાર સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રે બંને કાઠમંડુ પહોંચ્યા હતા.
22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન તેઓ કાઠમંડુમાં રોકાયા હતા. ત્યારબાદ 25 ઓગસ્ટે મિહિર અને કિન્નરી સહિત આશરે 70 લોકોનું ગ્રુપ તિમુરે બોર્ડર તરફ રવાના થયું હતું.
26 ઓગસ્ટે સવારે 4:51 વાગ્યે છેલ્લો મેસેજ
પરિવારના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટે વહેલી સવારે 4:51 વાગ્યે મિહિર સાથે વોટ્સએપ મેસેજ દ્વારા છેલ્લો સંપર્ક થયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશનની પ્રક્રિયા માટે બોર્ડર તરફ જઈ રહ્યા છે.
ત્યારબાદ મિહિર અને કિન્નરી સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારનું કહેવું છે કે પૂર જેવી ઘટના બની ત્યારે તેમનું 70 લોકોનું ગ્રુપ એકસાથે હતું અને તેઓ ચાઈનીઝ ઇમિગ્રેશનની બિલ્ડિંગમાં હાજર હતા.
મીડિયામાંથી પરિવારને ઘટનાની જાણ થઈ
ઉત્પલ પટેલે જણાવ્યું કે 26 ઓગસ્ટે બપોરના સમયે મીડિયા દ્વારા નેપાળમાં બનેલી ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ મિહિર અને કિન્નરીનો ફોન સહિત તમામ માધ્યમોથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સફળતા મળી નથી.
પરિવારે સોશિયલ મીડિયા મારફતે તેમની ટ્રાવેલ્સ કંપનીનો સંપર્ક મેળવ્યો છે. યાત્રા સાથે જોડાયેલા વિવિધ ટ્રાવેલ્સ ગ્રુપને એકસાથે જોડીને સમયાંતરે માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં ચાર દિવસ બાદ પણ દંપતી અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
ન્યૂઝીલેન્ડમાં રહેતા બંને સંતાનો પણ ચિંતિત
મિહિર પટેલ વર્ષ 2001 સુધી અમદાવાદના મણિનગરમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા હતા. મિહિર અને કિન્નરીને બે સંતાનો છે.
મોટો પુત્ર 23 વર્ષનો છે અને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે નાનો પુત્ર ન્યૂઝીલેન્ડમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બંને સંતાનો હાલ ન્યૂઝીલેન્ડમાં છે અને માતા-પિતાના સંપર્ક વિહોણા બનતાં પરિવારની ચિંતા વધી ગઈ છે.
પરિવારને એક જ આશા—બંને સલામત હોય
ઉત્પલ પટેલે મિહિર સાથે થયેલી છેલ્લી વાતચીતને યાદ કરતાં જણાવ્યું કે સિંગાપુરથી કાઠમંડુ જવાના સમયે પણ બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. પરિવારના સભ્યો હાલમાં ટ્રાવેલ્સ ગ્રુપ, સોશિયલ મીડિયા અને મળતી અન્ય માહિતીના આધારે મિહિર અને કિન્નરીનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
પરિવારની એક જ આશા છે કે મિહિર અને કિન્નરી નેપાળમાં સુરક્ષિત હોય અને વહેલી તકે તેમનો પરિવાર સાથે સંપર્ક થઈ શકે.
આ પણ વાંચો: દહેગામના 3 લોકો નેપાળમાં 3 દિવસથી સંપર્કવિહોણા, પરિવારની ચિંતા વધી; ગુજરાતના કુલ 26 લોકો ગુમ
આ પણ વાંચો: નેપાળમાં ફરી મહાપ્રલયનો ખતરો! ચીનની ચેતવણીથી વધ્યો ડર, સરહદ પાસે બની નવી ઝીલ ગમે ત્યારે ફાટી શકે
આ પણ વાંચો: નેપાળના પૂરમાં તણાઈ આવ્યું બેંકનું લોકર, લોકોએ લોકર તોડી કાઢ્યા 92 લાખ રૂપિયા; 29 લોકો ઝડપાયા
