Rajkot News/ જયેશ રાદડિયા સામે પ્રશાંત કોરાટની પ્રતિષ્ઠાની કસોટી! લોધિકા સહકારી ચૂંટણી પર સૌની નજર

Lodhika Cooperative Election: લોધિકા સહકારી સંઘની 16 બેઠકો માટે ચૂંટણી જાહેર થતાં રાજકોટના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથની સક્રિયતા વચ્ચે ચેરમેન પદ માટે અરવિંદ રૈયાણી અને નિતીન ઢાંકેચાના નામ ચર્ચામાં છે.

Gujarat Top Stories Rajkot
Lodhika Cooperative Election: લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં શક્તિપ્રદર્શન

Rajkot Politics News: રાજકોટ જિલ્લાના લોધિકા સહકારી સંઘની ચૂંટણી (Lodhika Cooperative Election) જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સંઘની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી ન રહેતા ભાજપના બે સિનિયર નેતાઓ જયેશ રાદડિયા (Jayesh Radadiya) અને પ્રશાંત કોરાટ (Prashant Korat) વચ્ચેના વર્ચસ્વની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. એક તરફ રાદડિયા જૂથ પોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સક્રિય છે, તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ પોતાના સમર્થિત ઉમેદવારોને આગળ લાવવા માટે મથામણ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

Lodhika Cooperative Election: 8 સપ્ટેમ્બરે મતદાન, 9 સપ્ટેમ્બરે પરિણામ

લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી માટે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સંઘની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં મતદાર મંડળી જૂથમાંથી 15 અને વ્યક્તિગત જૂથમાંથી 1 બેઠકનો સમાવેશ થાય છે.

ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા 17થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 21 ઓગસ્ટે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 22 ઓગસ્ટે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા 22થી 27 ઓગસ્ટ સુધી ચાલશે અને 29 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. જો મતદાન જરૂરી બનશે તો 8 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન થશે અને 9 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

બે સિનિયર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ

લોધિકા સહકારી સંઘ ભલે માત્ર બે તાલુકાના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય, પરંતુ આ વખતની ચૂંટણીનું રાજકીય મહત્વ વધી ગયું છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંઘના આગામી ચેરમેન સુધીની ગોઠવણીમાં એક તરફ જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા, તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સક્રિય (Gujarat BJP) હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાદડિયાની સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી પકડ

પૂર્વ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રભાવ ધરાવે છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, સહકારી સંસ્થાઓમાં મેન્ડેટને લઈને ભાજપના સંગઠન દ્વારા લેવાતા નિર્ણયોના કારણે સહકારી ક્ષેત્રમાં જૂના રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિમાં રાદડિયાના રાજકીય હરીફો પણ સહકારી ચૂંટણીને પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક તરીકે જોઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

અરવિંદ રૈયાણીની ચેરમેન પદ પર નજર

લોધિકા સહકારી સંઘના આગામી ચેરમેન પદ માટે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નામ ચર્ચામાં છે. અગાઉની ટર્મમાં પણ તેમણે ચેરમેન બનવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

હવે ફરી ચૂંટણી જાહેર થતાં રૈયાણીએ ડિરેક્ટર પદ માટેની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે. તેઓ પોતાના સમર્થિત ઉમેદવારોને ડિરેક્ટર તરીકે જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારો સામે રૈયાણી જૂથના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા જોવામાં આવી રહી છે.

રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે અરવિંદ રૈયાણીને ભાજપ પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનું સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ, લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા પણ ચેરમેન પદ માટે પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે. નવા રાજકીય સમીકરણોમાં નિતીન ઢાંકેચા હવે જયેશ રાદડિયા જૂથની નજીક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, એક તરફ રૈયાણી અને બીજી તરફ ઢાંકેચા વચ્ચે ચેરમેન પદ માટેની સ્પર્ધા જોવા મળી શકે છે.

રાદડિયાએ સહકારી ક્ષેત્રને લઈને આપ્યું હતું મહત્વનું નિવેદન

15 ઓગસ્ટે રાજકોટ ડેરીના એક કાર્યક્રમ દરમિયાન Jayesh Radadiya એ સહકારી ક્ષેત્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોનું હિત સર્વોપરી હોવું જોઈએ અને તેમાં રાજકારણ ન હોવું જોઈએ. રાદડિયાના આ નિવેદનને સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી મેન્ડેટની ચર્ચા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે.

કોરાટ પરિવારની ગણાતી બેઠક પર રાદડિયાનું વર્ચસ્વ

જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ બંને રાજકોટ જિલ્લાના એક જ રાજકીય વિસ્તારમાંથી આવે છે. જે વિધાનસભા બેઠકનું હાલમાં જયેશ રાદડિયા પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં અગાઉ Prashant Korat ના પિતા અને માતા બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

સમય સાથે બદલાયેલા રાજકીય સમીકરણોના કારણે આ બેઠક પર રાદડિયાનું વર્ચસ્વ ઊભું થયું છે. બીજી તરફ Prashant Korat ભાજપ સંગઠનમાં સતત મહત્વની જવાબદારીઓ સંભાળતા આવ્યા છે. હવે લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં બંને જૂથોની સક્રિયતા આગામી દિવસોમાં જિલ્લામાં રાજકીય સમીકરણો પર પણ અસર કરી શકે છે.

2027ની ચૂંટણી પહેલા સહકારી ચૂંટણીનું મહત્વ વધ્યું

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સહકારી ક્ષેત્રની આ ચૂંટણીનું મહત્વ વધુ વધી ગયું છે. જો સહકારી ક્ષેત્રમાં રાદડિયા જૂથની પકડ યથાવત રહે છે તો તેમનું સંગઠનાત્મક વર્ચસ્વ મજબૂત રહેશે, જ્યારે બીજી તરફ કોરાટ જૂથના સમર્થિત ઉમેદવારોને સફળતા મળે તો જિલ્લામાં કોરાટના રાજકીય પ્રભાવમાં વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે.

આ કારણે લોધિકા સહકારી સંઘની ચૂંટણીને બંને નેતાઓ માટે પ્રતિષ્ઠાની કસોટી તરીકે જોવામાં આવી રહી છે. હવે ભાજપનું સંગઠન કયા ઉમેદવારોને સમર્થન આપે છે અને અંતે ડિરેક્ટર પદની ગોઠવણી કેવી રીતે થાય છે તેના પર સહકારી તેમજ રાજકીય વર્તુળોની નજર રહેશે.

16 બેઠકો માટે થશે ચૂંટણી

લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં કુલ 16 બેઠકો માટે મતદાન થવાનું છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં રૈયાણી અને ઢાંકેચા સહિત અનેક નામો ચર્ચામાં છે અને બંને જૂથો પોતાના સમર્થકોને મજબૂત રીતે ગોઠવવા માટે સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે. હવે 29 ઓગસ્ટે જાહેર થનારી અંતિમ ઉમેદવાર યાદી બાદ સ્પષ્ટ થશે કે કયા જૂથમાંથી કેટલા ઉમેદવારો મેદાનમાં છે અને લોધિકા સહકારી સંઘની આ ચૂંટણી ખરેખર કેટલો રાજકીય રંગ લે છે.


આ પણ વાંચો: વિદેશ જવાનું સપનું મોંઘું પડ્યું! વસ્ત્રાલના યુવકને 20 લાખમાં કેનેડા મોકલવાની વાત, એડવાન્સ લીધા બાદ કથિત છેતરપિંડી

આ પણ વાંચો: સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો કહેર: એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી, 5 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: ભાજપે 3 રાજ્યોમાં પ્રભારી બદલ્યા: ગુજરાતમાં તરુણ ચુગ, UPમાં વિનોદ તાવડે, પંજાબમાં સતીશ પૂનિયા