Ahmedabad News/ અમદાવાદમાં હથિયારબંધી: 35 પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, 14 વિસ્તારો બાકાત

Ahmedabad weapon ban: અમદાવાદ પોલીસ કમિશનરે 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું, જોકે શહેરના 14 પોલીસ સ્ટેશન વિસ્તારોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad weapon ban: સિંધુભવન-સેટેલાઈટમાં હથિયારબંધી નહીં? અમદાવાદ CPના જાહેરનામાથી ઉઠ્યા સવાલો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં તલવાર, છરી, ચપ્પા, ધારિયા સહિતના હથિયારો પર પ્રતિબંધ (Ahmedabad weapon ban)ને લઈને પોલીસ કમિશનરનું નવું જાહેરનામું ચર્ચામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 17 ઓગસ્ટ, 2026ના રોજ હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ હથિયારો સાથે રાખવા ઉપરાંત પથ્થરો કે અન્ય વસ્તુઓ એકઠી કરવા, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા, ચોક્કસ પ્રકારના પ્રદર્શન કે પ્રવૃત્તિઓ સહિતની કેટલીક બાબતો પર પ્રતિબંધ (Ahmedabad weapon ban) મૂકવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો નથી. 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામાનો અમલ થશે, જ્યારે 14 પોલીસ સ્ટેશન વિસ્તારોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

કયા વિસ્તારોમાં હથિયારબંધી લાગુ નહીં પડે?

પોલીસના જાહેરનામા મુજબ નીચેના 14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ પ્રતિબંધ (Ahmedabad weapon ban) લાગુ કરવામાં આવ્યો નથી, વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઈટ એરપોર્ટ, ખોખરા, મણિનગર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ આ યાદીમાં શહેરના પશ્ચિમ વિસ્તારના વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ, પાલડી અને વાસણા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. સિંધુભવન રોડ અને જજીસ બંગ્લોઝ રોડ જેવા મહત્વના વિસ્તારો આ જ વિસ્તારમાં આવે છે.

Ahmedabad weapon ban: પોલીસનું કહેવું શું છે?

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (Anupam Singh Gehlot) જાહેરનામામાં જણાવ્યું છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આરોપીઓ દ્વારા તલવાર, છરી, ચપ્પુ, ગુપ્તી, લોખંડની પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને હુમલા થવાની શક્યતા રહે છે. આવા હથિયારોનો ઉપયોગ ખૂન, ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓમાં થઈ શકે છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગથી શરીર સંબંધિત ગંભીર ગુનાઓ બનતા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં શું પ્રતિબંધ?

જાહેરનામા હેઠળ નિયત કરાયેલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ (Ahmedabad weapon ban) રહેશે. તેમાં તલવાર, ભાલા, ખંજર, ચપ્પુ સહિતના શસ્ત્રો સાથે રાખવા અને જાહેરમાં લઈ જવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અઢી ઈંચથી વધુ લાંબું અને છેડેથી અણીવાળું પાનું ધરાવતા ચોક્કસ પ્રકારના ચપ્પા તેમજ શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી અન્ય વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ (Ahmedabad weapon ban) છે. આ ઉપરાંત પરવાનાવાળા હથિયારોને પણ જાહેર સ્થળે લઈ જવા, હવામાં ફાયરિંગ કરવા તથા સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ અથવા લોકોના સમૂહમાં લઈ જવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ

જાહેરનામા મુજબ પથ્થરો, અન્ય શસ્ત્રો અથવા ફેંકવા માટેના યંત્રો-સાધનો લઈ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પણ પ્રતિબંધ (Ahmedabad weapon ban) છે. આ સિવાય સળગતી કે પેટાવેલી મશાલ સાથે સરઘસ કાઢવા જેવી પ્રવૃત્તિઓને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

ભાષણ, ચિહ્નો અને પ્રદર્શન અંગે પણ નિયંત્રણ

જાહેરનામામાં એવી પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેમાં ભાષણ, ચાળા, નકલ, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબર અથવા અન્ય સામગ્રીના માધ્યમથી સુરૂચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય, રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા રાજ્યમાં અશાંતિ સર્જાવાની શક્યતા હોય. વ્યક્તિ, શબ, આકૃતિ અથવા પૂતળાંને ચોક્કસ રીતે પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પણ પ્રતિબંધ નહીં

જાહેરનામામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારને પણ બાકાત રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર શહેરના મોટા શૈક્ષણિક વિસ્તારોમાંનો એક છે. અહીં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન થતા રહે છે અને કેટલાક પ્રસંગોએ સંગઠનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં હથિયારબંધી લાગુ ન કરવાના નિર્ણય અંગે પણ સવાલો ઉઠી શકે છે.

અગાઉ સમગ્ર અમદાવાદમાં લાગુ થતું હતું જાહેરનામું?

આ નિર્ણયની સરખામણી અગાઉના પોલીસ કમિશનરોના હથિયારબંધીના જાહેરનામા સાથે પણ થઈ રહી છે. અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા સમગ્ર વિસ્તારને આવરી લેતા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેની સરખામણીમાં હાલના જાહેરનામામાં માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે અને 14 વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે. જેના કારણે હથિયારબંધીના અમલની હદને લઈને ચર્ચા શરૂ થઈ છે.

કોને જાહેરનામામાંથી મુક્તિ?

સરકારી નોકરી અથવા ફરજ પર રહેલા અને ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવાની જરૂરિયાત ધરાવતા કર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓ દ્વારા હથિયાર સાથે રાખવાની ફરજ સોંપવામાં આવી હોય તેવા વ્યક્તિઓને જાહેરનામાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેથી જે વિસ્તારોમાં પ્રતિબંધ (Ahmedabad weapon ban) લાગુ છે ત્યાં નાગરિકોએ જાહેરનામામાં દર્શાવેલી તમામ જોગવાઈઓનું પાલન કરવું પડશે. હાલ સૌથી વધુ ચર્ચાનો મુદ્દો એ છે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં હથિયારબંધીને સમગ્ર શહેરમાં લાગુ કરવાને બદલે ચોક્કસ પોલીસ સ્ટેશન વિસ્તારો પૂરતી મર્યાદિત કેમ રાખવામાં આવી છે અને 14 વિસ્તારોને શા માટે બાકાત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે પોલીસ તંત્રનો નિર્ણય આગામી દિવસોમાં વધુ ચર્ચામાં આવી શકે છે.


આ પણ વાંચો:અમદાવાદમાં યુવકની હત્યા કરનારા 8 આરોપી ઝડપાયા, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો

આ પણ વાંચો:અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરાઈ હત્યા

આ પણ વાંચો:અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી