Ahmedabad News/ અમદાવાદમાં યુવકની હત્યા કરનારા 8 આરોપી ઝડપાયા, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો

હત્યા (Murder) નાં આ કેસમાં પોલીસે Chhatral GIDC માંથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે

Gujarat Ahmedabad
શહેરના સુભાષબ્રિજ ચાર રસ્તા પાસે 15 ઓગસ્ટની મોડી રાત્રે થયેલી યુવકની હત્યા (Ahmedabad Murder Case)કેસમાં ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે

Ahmedabad News : શહેરના સુભાષબ્રિજ ચાર રસ્તા પાસે 15 ઓગસ્ટની મોડી રાત્રે થયેલી યુવકની હત્યા (Ahmedabad Murder Case)કેસમાં ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જૂની અદાવતને લઈને આરોપીઓ ટેમ્પોમાં હથિયારો સાથે આવ્યા હતા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.  હત્યા (Murder) નાં આ કેસમાં પોલીસે Chhatral GIDC માંથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

CCTVમાં સમગ્ર ઘટનાક્રમ કેદ

સુભાષબ્રિજ સર્કલ પાસે અજય સાલવી તેના ભાઈ સાથે ઊભો હતો ત્યારે મહિન્દ્રા પિકઅપ ડાલામાં સવાર થઈને આવેલા આશરે 10 શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓ ટેમ્પોમાંથી તલવાર, ધારિયા અને છરી જેવા હથિયારો લઈને નીચે ઉતર્યા હતા.

આરોપીઓએ અજયને દોડાવ્યો હતો. અજય નીચે પડી જતા આરોપીઓએ તેના પીઠ અને કમરના ભાગે હથિયારના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ઘાતક હતો કે યુવકને 15થી વધુ ઘા વાગ્યા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.

જૂની અદાવતમાં હત્યાનો આરોપ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ જૂનો ઝઘડો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલાં મદ્રાસી સમાજના કેટલાક લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અજયે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લઈને આરોપીઓનો વિરોધ કર્યો હતો.

આ ઘટનાને લઈને આરોપીઓ અજયથી રોષે ભરાયા હતા અને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની પોલીસને શંકા છે. 15 ઓગસ્ટની મોડી રાત્રે તક મળતા આરોપીઓએ અજય પર હુમલો કર્યો હતો.

ટેમ્પોમાં હથિયારો લઈને પહોંચ્યા હતા

ACP ડી. વી. રાણાના જણાવ્યા મુજબ, આરોપી અંકિત પરમાર, સાગર ઉર્ફે માફિયા પરમાર, વિશાલ ચૌહાણ સહિત અન્ય સાગરિતોએ મળીને હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ મહિન્દ્રા પિકઅપ ડાલા (RJ 27 GF 3975)માં તલવાર, ધારિયા અને છરી સહિતના હથિયારો લઈને સુભાષચંદ્ર બોઝ સર્કલ પહોંચ્યા હતા.

ત્યાં તેમણે રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં અજયનું મોત નીપજ્યું હતું.

ટેકનિકલ સર્વેલન્સથી છત્રાલ GIDC સુધી પહોંચ્યા

હત્યાની ઘટના બાદ રાણીપ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે ઘટનામાં વપરાયેલું ટેમ્પો ઉદયપુરના પાલ માળવાડીના નામે નોંધાયેલું હતું અને છેલ્લા કેટલાક સમયથી રાજેશ ભોઈ તેનો ઉપયોગ કરતો હતો.

પોલીસે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરાવી હતી. બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટેમ્પોનું છેલ્લું લોકેશન છત્રાલ GIDCમાં મળ્યું હતું.

ત્યારબાદ રાણીપ પોલીસ, DCP ઝોન-2ની LCB અને સર્વેલન્સ ટીમે Chhatral GIDC માં કાર્યવાહી કરીને ટેમ્પો સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ત્રણ મુખ્ય આરોપીઓ હજુ ફરાર

પોલીસે પકડાયેલા આરોપીઓને રાણીપ પોલીસ સ્ટેશન (Ranip Police)ખાતે લાવીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અંકિત પરમાર, પાર્થ ઉર્ફે પાવડર અને વિશાલ ચૌહાણ સહિતના વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ દ્વારા CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે હત્યાના સમગ્ર કાવતરાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગાંધીનગરના દહેગામમાં કૌટુંબિક વિવાદમાં યુવકનું અપહરણ બાદ હત્યા, ચાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ ચોકી સામે જ હત્યાનો ખેલ! RTO ચાર રસ્તા પાસે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો

આ પણ વાંચો : નવસારીના અંબાચ ગામે પિતાએ પુત્રની હત્યા કરી, પૂર્વ પત્ની અને દાદા પર પણ ચપ્પુથી હુમલો