ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, ભારત સરકાર ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.
ભારતીય દૂતાવાસ ફસાયેલા ભારતીયોના સતત સંપર્કમાં છે અને તેમના માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. ઈઝરાયેલમાં કેટલા ભારતીયો ફસાયેલા છે અને તેઓ કેટલા સુરક્ષિત છે.
ઈઝરાયલમાં કેટલા ભારતીયો ફસાયા છે?
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, ઈઝરાયલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો વૃદ્ધોની સંભાળ રાખવા (કેર ટેકર) તરીકે કામ કરે છે. આ ઉપરાંત લગભગ 1,000 વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. રિપોર્ટ અનુસાર, લગભગ 85,000 ભારતીય મૂળના યહૂદીઓ ત્યાં રહે છે.ઈઝરાયેલમાં ભારતીય ઈમિગ્રેશન 1950 અને 1960ના દાયકાની વચ્ચે શરૂ થયું હતું. વર્ષોથી મિઝોરમ અને મણિપુરના યહૂદીઓ ત્યાં સ્થાયી થયા હતાં.
ભારતીય દૂતાવાસ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે
ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને શનિવારે ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી.જેમાં કહ્યું છે કે,’ઈઝરાયલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને સાવચેત રહો અને બિનજરૂરી અવરજવર ના કરો. સલામત સ્થળોની નજીક રહો.
ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો કેટલા સુરક્ષિત છે?
મીડિયા રિપોર્ટ અનુસાર ગાઝા અને ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. જોકે, શનિવારે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં એક ભારતીય મહિલા ઘાયલ થઈ હતી.
ઈઝરાયલમાં ફસાયેલા વિમલ કૃષ્ણસ્વામીએ કહ્યું, “અમે અમારા શહેરમાં સુરક્ષિત છીએ. ભારતીય દૂતાવાસ સતત અમારા સંપર્કમાં છે, અમારા સ્વાસ્થ્ય વિશે પૂછે છે.”
હિબ્રુ યુનિવર્સિટીના ડોક્ટરલ સ્ટુડન્ટ બિંદુએ કહ્યું કે તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ ભારતીયો એકબીજાના સંપર્કમાં છે.
ઈઝરાયલમાં એક ભારતીય મહિલા આતંકવાદી હુમલાનો શિકાર બની
ઈઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલા દરિયાકાંઠાના શહેર અશ્કલોનમાં શનિવારે મિસાઈલ હુમલામાં ઈઝરાયલના કેરળનો વતની ઘાયલ થયો હતો. આ મહિલાનું નામ શિજા આનંદ છે જે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલ કેર ટેકર તરીકે કામ કરી રહ્યા છે. શિજાની બહેને જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના પતિ આનંદ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. અત્યારે તે ખતરાની બહાર છે.
ઈઝરાયલમાં ફસાયેલા લોકો ભારત લાવવાની તૈયારી
વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, તેમને શનિવારે સવારે ઈઝરાયલમાં ફસાયેલા હજારો ભારતીયો ફસાયેલા હોવાના સંદેશા મળ્યા હતા. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીનું કાર્યાલય પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું, “ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયાસો ચાલુ છે. વડાપ્રધાન પહેલા જ સંવેદના વ્યક્ત કરી ચૂક્યા છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે છીએ.”
મીનાક્ષી લેખીએ કહ્યું કે, ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અને ફરીથી કોરોના મહામારી દરમિયાન સફળતાપૂર્વક પોતાના નાગરિકોને વિદેશમાંથી બહાર કાઢ્યા છે. આ વખતે પણ અમે તેમને સફળતાપૂર્વક બહાર લાવીશું. ઓપરેશન ગંગા હોય કે વંદે ભારત, અમે તમામ નાગરિકોને પરત લાવીશું. મને ખાતરી છે કે ભારત સરકાર અને વડાપ્રધાન કાર્યાલય તે લોકોના સીધા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં ફસાયેલી બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે.
ઈઝરાયલમાં ફસાયેલા 27 ભારતીય નાગરિકોએ ઈજિપ્તની સરહદ પાર કરી
મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ 7 ઓક્ટોબરે માહિતી આપી હતી કે વિદેશ મંત્રાલય અને ભારતીય મિશનના પ્રયાસોના ભાગરૂપે મેઘાલયના 27 નાગરિકોએ સુરક્ષિત રીતે ઇજિપ્તની સરહદ પાર કરી છે.
આ પણ વાંચો: Explained/ ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?
આ પણ વાંચો: Israel-Gujarati/ કેટલાય ગુજરાતીઓ પર ઘાત છે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
આ પણ વાંચો: CWC/ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે શું છે પ્લાન?

