Mehsana News: મહેસાણાના કડી ખાતે કડવા પાટીદાર 42 સમાજ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે (R.P. Patel) પાટીદાર સમાજને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમના નિવેદન બાદ સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
“દરેક પરિવારે ત્રણ સંતાન હોવા જોઈએ”
આર.પી. પટેલે (R.P. Patel) પોતાના સંબોધનમાં કહ્યું કે સમાજના ભવિષ્ય અને સામાજિક સુરક્ષા માટે દરેક પરિવારે ત્રણ સંતાન હોવા જોઈએ. તેમણે કહ્યું કે એક સંતાન પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે હોવું જોઈએ.
એક જ સંતાનના ટ્રેન્ડ પર ચિંતા
તેમણે સમાજમાં વધતા “એક સંતાન”ના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિદેશ જવાની વધતી ઇચ્છા વચ્ચે પરિવારની સુરક્ષા અને ભવિષ્ય અંગે વિચારવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
“સંપત્તિથી વધારે જરૂરી સામાજિક સુરક્ષા”
આર.પી. પટેલે (R.P. Patel) જણાવ્યું કે સમાજ આર્થિક રીતે મજબૂત બનતો જાય છે, મોટા બંગલાઓ અને સંપત્તિ વધી રહી છે, પરંતુ પરિવાર અને સમાજની રચનાત્મક સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
504 ફૂટ ઉમિયા મંદિરનો ઉલ્લેખ
તેમણે અમદાવાદમાં નિર્માણાધીન 504 ફૂટ ઊંચા ઉમિયા માતાના મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ માત્ર મંદિર નથી, પરંતુ સમગ્ર પાટીદાર સમાજને વૈશ્વિક સ્તરે એકતામાં બાંધવાનો પ્રયાસ છે.કાર્યક્રમ દરમિયાન યુવાનોને રમતગમતની સાથે સમાજ નિર્માણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાવાની અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ભાંડી કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં પાટીદાર સમાજનો મોરચો
આ પણ વાંચો:પદ્મશ્રી મથુર સવાણીની મોટી પહેલ, પાટીદાર સમાજમાં ‘સામાજિક બંધારણ’ ઘડવા માંગ્યો જનમત
