Iran US War News: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ વચ્ચે ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં એક લગ્ન સમારોહ દરમિયાન અમેરિકી મિસાઈલ હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાની રેડ ક્રેસેન્ટ અનુસાર, આ હુમલામાં એક નાના બાળક સહિત ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
રેડ ક્રેસેન્ટના જણાવ્યા અનુસાર, સિરિક કાઉન્ટીના કુહેસ્તાક શહેરમાં એક રહેણાંક મકાનમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અમેરિકી મિસાઈલના કારણે મકાનને નુકસાન થયું અને શેલના ટુકડા લગ્ન સમારોહમાં હાજર લોકો સુધી પહોંચ્યા હતા. હુમલામાં ચાર લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.
આ અંગે હોર્મોઝગન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અહમદ નફીસીએ પણ રાજ્ય ટેલિવિઝન પર શરૂઆતમાં બે લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયાની માહિતી આપી હતી. સિરિક કાઉન્ટી હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલું છે.
અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો
દરમિયાન, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું છે કે અમેરિકી દળોએ 1 સપ્ટેમ્બરે ઈરાનના વિવિધ સૈન્ય લક્ષ્યો સામે હુમલાઓનું એક મોજું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
CENTCOMના જણાવ્યા અનુસાર, હુમલામાં ઈરાનના હવાઈ સંરક્ષણ સ્થળો, રડાર સિસ્ટમ, દરિયાઈ સંપત્તિઓ, સમુદ્રમાં ખાણ બિછાવવાની ક્ષમતા તેમજ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા સંદેશાવ્યવહાર કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકી કમાન્ડે વધુમાં જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો અને અમેરિકી સૈનિકો સામે IRGC દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાઓના અહેવાલ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મધ્ય પૂર્વમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો તૈનાત હોવાનું પણ CENTCOMએ જણાવ્યું છે.
ઈરાને જોર્ડનમાં અમેરિકી એરબેઝ પર મિસાઈલ હુમલાનો દાવો કર્યો
બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જોર્ડનમાં આવેલા અમેરિકી પ્રિન્સ હસન એર બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ હુમલો કરવાની જવાબદારી સ્વીકારી છે.
ઈરાની સરકારી પ્રસારણકર્તા IRIB દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં IRGCએ દાવો કર્યો કે પ્રિન્સ હસન એર બેઝ પર ભારે બેલિસ્ટિક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. IRGC અનુસાર, અમેરિકાના લાંબા અંતરના RQ-4 અને MQ-9 ડ્રોન રાખવામાં આવતા હેંગરને હુમલાનું મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું હતું.
IRGCએ એવો પણ દાવો કર્યો છે કે હુમલામાં અનેક ડ્રોન નષ્ટ થયા, અમેરિકી ફ્લાઇટ અને ટેકનિકલ કર્મચારીઓ માર્યા ગયા અને એરબેઝના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાક ભાગોમાં આગ લાગી. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સતત બીજા દિવસે હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે હોર્મુઝ સ્ટ્રેટ સહિત પશ્ચિમ એશિયાના વિવિધ વિસ્તારોમાં વધુ ઉગ્ર બન્યો છે. અહેવાલો અનુસાર, સતત બીજા દિવસે અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
ઈરાનના કેશમ ટાપુ, બંદર અબ્બાસ અને હોર્મુઝના ઉત્તર ભાગમાં આવેલા ચાબહાર બંદર નજીક વિસ્ફોટોના અહેવાલ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સિરિક નજીક લગ્ન સમારોહ પર થયેલા કથિત અમેરિકી હુમલામાં જાનહાનિએ તણાવ વધુ વધારી દીધો છે.
હાલ અમેરિકા અને ઈરાન તરફથી કરવામાં આવેલા દાવાઓ વચ્ચે અનેક વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ બાદ પ્રથમ વખત PM મોદી અને પેજેશ્કિયાનની મુલાકાત, બિશ્કેકમાં થઈ મહત્વની
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં સુપરટેન્કર બે નૌસેનાની માઇન્સ સાથે અથડાયું, ઈરાનના દાવાથી ખળભળાટ
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર
