Azerbaijan-India: ભારત અને અઝરબૈજાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ઠંડક જોવા મળી રહી હતી. ખાસ કરીને પાકિસ્તાન સાથે અઝરબૈજાનની વધતી નિકટતા અને ભારતના વ્યૂહાત્મક ભાગીદાર આર્મેનિયા સાથેના તેના લાંબા સમયથી ચાલતા વિવાદને કારણે બંને દેશોના સંબંધો ચર્ચામાં રહ્યા છે. ત્યારે હવે SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ વચ્ચે થયેલી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCO Plus બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ(PM Modi) પણ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને ભારત-અઝરબૈજાન સંબંધોમાં સંવાદનો નવો રસ્તો ખોલતી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
પાકિસ્તાન સાથેની નજીકની દોસ્તી વચ્ચે મોદી-અલીયેવ મુલાકાત
અઝરબૈજાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની નજીક હોવાનું જોવા મળ્યું છે. બીજી તરફ ભારત અને અઝરબૈજાનના સંબંધોમાં પણ અનેક મુદ્દાઓને લઈને અંતર વધ્યું હતું. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ તણાવ આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે અલીયેવ અને પીએમ મોદીની મુલાકાતને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત આગળ વધે તેવા સંકેત તરીકે આ મુલાકાતને જોવામાં આવી રહી છે.

PM Modi અને પુતિન સાથે પણ જોવા મળ્યા અલીયેવ
SCO સમિટના સ્થળે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ મોદી અને અલીયેવ વચ્ચે અલગથી પણ વાતચીત થઈ હતી. તાજેતરના પશ્ચિમ એશિયાના સંકટ દરમિયાન અઝરબૈજાને ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. આ સહયોગને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સકારાત્મક મુદ્દા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે શાંતિ બાદ બદલાઈ સ્થિતિ
ભારતના વ્યૂહાત્મક ભાગીદાર આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ હવે શાંતિ પ્રક્રિયા આગળ વધી છે. આ પછી ભારત અને અઝરબૈજાન વચ્ચે પણ લાંબા સમય બાદ વિદેશ વિભાગોના સ્તરે સંપર્ક ફરી શરૂ થયો છે. બીજી તરફ આર્મેનિયા પણ પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સુધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત(PM Modi) સાથે આર્મેનિયાની રક્ષા ભાગીદારી પણ સતત મજબૂત થઈ રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મોદી અને અલીયેવની મુલાકાતને ભારત અને અઝરબૈજાન વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર
આ પણ વાંચો: બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર
