@પ્રફુલ્લ ત્રિવેદી
ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની મોટે મોટેથી જાહેરાતો કરીને અમદાવાદ મ્યુનિમાં સત્તા સ્થાને પહોંચી ગયેલા ભાજપના હોદ્દેદારો ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે તેવા નિંદનીય નિર્ણયો લેવા માંડ્યા છે. ભ્રષ્ટાચાર, છેતરપિંડી, મહિલાઓની છેડતી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અધિકારીઓને પણ કમીટી દ્વારા તમામ નીતિનિયમો અને શરમને નેવે મૂકીને ક્લિનચીટ આપી દેવામાં આવે છે. ગુનાના પ્રમાણમાં અત્યંત નજીવી દેખાવ પૂરતી સજા કરીને છોડી મુકાય છે. આમ થવાથી ભ્રષ્ટાચારમાં જ રત રહેતા કર્મચારી-અધિકારીઓને મોકળું મેદાન મળી જાય છે. કોઈને કોઈનો ડર જ રહેતો નથી. ડેપ્યુટી હેલ્થ ઓફિસર ચિરાગ શાહ સામેના આક્ષેપો નિવૃત જજની ઇન્કવાયરી માં સાબિત થઇ ગયા હોવા છતાં તેમને છટકવા માટે સેફ પેસેજ તૈયાર કરી અપાયો છે. બેટી બચાવો બેટી પઢાવો નો નારો અહીં સદંતર વિસરી જવાયો છે.
મ્યુનિ.માં ભ્રષ્ટાચારથી એકઠી કરેલી રકમનો કેટલોક ભાગ વહેચીને છટકબારી ઉભી કરાય છે, આ રીતે ભ્રષ્ટ નાણું અહીં થી તહીં ફરે છે. શૃંખલા આગળ વધે છે. રાજકીય દબાણ અને પૈસાનો જાદુ અદભુત રીતે ચાલી જાય છે જાહેરમાં ટીકા થશે તેની કોઇને જાણે કે પડી જ નથી આવું વારંવાર થતું હોવાથી ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળે છે. કોઈનું ધ્યાન રાખનાર કોઈ હોય જ નહીં તેવું વાતાવરણ ખડું થયું છે. ડો. ચિરાગ શાહ અગાઉ ગુજરાત બહારની એક મેડિકલ કોલેજમાં ફેકલ્ટી મેમ્બર હોવાનું બહાર આવ્યું હતું. બે જગ્યાએથી પગાર લેતા હોય તો ઇન્કમટેક્સના રિટર્નમાં શું બતાવ્યું હતું તે પ્રશ્ન છે. MCI ને પણ AMC એ જાણ કરવી પડે તે ફરજ પણ ચૂકી જવાઇ હતી. તે સમયે નીચેની પાયરી પર ઉતારી દેવાયા હતા. નોકરી જતાં જતાં બચી હતી. તેમનું આ છેડતીનું પ્રકરણ બીજું છે. આમ છતાં ગોડફાધર મહેરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન જેવું થયું છે.
ઉપરાંત જેમની સામે ગંભીર કરતૂતોની વિજિલન્સ ઇન્કવાયરી ચાલતી હોય તેવા ટીડીઓ, એન્જિનિયરિંગ, હેલ્થના અને ટેક્સના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ પૂર્વે ઈન્કવાયરી પુરી કરી જવા દેવાયા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ‘સાત ખૂન માફ ‘ નામની ફિલ્મ હતી તેમ સાત વખત પકડાયેલા પરત્વે પણ કૂણું વલણ દાખવતા હોય છે.
ખાસ કોઈ સજા ના થઇ હોય તેવા ટોપ 10 કૌભાંડો
- અન્ય મેડિકલ કોલેજમાં ભૂતિયા અધ્યાપક તરીકે નોકરી કરતા પકડાયેલા ડોક્ટર ચિરાગ શાહને ડિગ્રેડ કરી જવા દેવાયા. MCI કે ITને જાણ કરાઇ ના હતી.
- સાથી મહિલા કર્મચારીની છેડતીમાં પકડાયેલા ડોક્ટર ચિરાગ શાહને બે-ત્રણ ઇન્ક્રીમેન્ટ રોકી જવા દેવાયા.
- બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર આસિસ્ટન્ટ કમિશનરને નજીવી સજા થઈ.
- રોડ તૂટી ગાયના કેસમાં ૬૦ જેટલા એન્જિનિયરોને એકાદ-બે ઇન્ક્રીમેન્ટ કાપવાની જ સજા
- રોડના ગાબડા કેસમાં સાત એડિશનલ એંજિનિયર સામે પાંચ વર્ષથી ચાલતી દેખાવ પૂરતી ઇન્કવાયરી
- ગુરુકુળ રોડ માં કાગળ પર દોડતી હોટમિક્સની ગાડીના કેસમાં કોઇને સજા નહીં.
- ટ્રોમિલ કૌભાંડમાં નામ ગાજ્યું હતું તે અધિકારી સલામત રીતે નિવૃત્ત થઈ ગયા
- ઢોરવાડા માંથી 90 ગાયો ગુમ થયાના કેસના અને ગાયો નહીં પકડવાના હપ્તા લેવાના કેસમાં કોઈને નોટિસ પણ નહિ.
- મધ્ય ઝોનમાં ૪૧ થી વધુ હેરિટેજ બિલ્ડીંગો તૂટી ગેરકાયદે કોમ્પ્લેક્સ બંધાઈ ગયાં, આ કેસમાં કોઈ નો ખુલાસો પણ મંગાયા નું બહાર આવ્યું નથી
- પૂર્વમાં બેદરકારીપૂર્વક દબાણ તોડતા ત્રણ વેપારીના દટાઈ જવાથી મોતના કેસમાં કોઈને સજા નથી થઇ.
- વી.એસ.માં શબ બદલાઈ જવા, હોસ્પિટલના અંધપા કાંડ, કોરોના વખતે ખાનગી હોસ્પિટલોની સાંઠગાંઠમાં હેલ્થ ઓફીસરોએ કરેલી કટકી, અને દર્દીના લીધેલા મોટા બિલો એક પુસ્તિકા લખાય તેટલા કૌભાંડો છે
