ખરો જંગ કોંગ્રેસ ભાજપ વચ્ચે પણ આમ આદમી પાર્ટી ભાજપ – કોંગ્રેસ બન્નેના અને ઓવૈસી, એનસીપી અને શંકરસિંહ બાપુના સમર્થકો કોંગ્રેસના ગણિત બગાડી શકે છે, માટે જઆ વખતે સત્તાનાં સેમિફાઇનલની પરિસ્થિતિ 100% એક તરફી નથી.
અંતે ધારણા મુજબ અને અપેક્ષા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણનો બુંગીઓ વાગી ગયો છે. તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત અને નગરથી મહાનગર સુધીની ચૂંટણીઓની જાહેરાત થઈ છે. ગુજરાતના છ મહાનગરો ભાવનગર, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત અને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ છે. મહાનગરોની ચૂંટણી ૨૧મી ફેબ્રુઆરીએ અને નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતની 28 ફેબ્રુઆરીએ ચૂંટણીઓ જાહેર થઈ છે. ગુજરાતમાં ખેડા અને બનાસકાંઠા સિવાયની ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત જૂનાગઢ નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી પણ આ સાથે યોજાશે અમરેલી જિલ્લામાં જિલ્લા અને તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી એક સાથે યોજાશે જ્યારે ૧૧ તાલુકાઓની તાલુકા પંચાયતની ચૂંટણી પણ તે જ દિવસે યોજાશે જ્યારે નગરપાલિકાઓની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર અને બાબરા સહિત પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.

ચૂંટણી જાહેરનામાંની આ છે તારીખ
પ્રથમ રાઉન્ડની એટલે કે મહાનગરોની ચૂંટણીનો પ્રથમ તબક્કો કે જેમાં ૨૧મી ફેબ્રુઆરીએ મતદાન છે. તે છ મહાનગરોની ચૂંટણીનું જાહેરનામું ૧લીએ બહાર પડશે. તે જ દિવસથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. જ્યારે ૨૮મી ફેબ્રુઆરીએ જ્યાં મતદાન થવાનું છે ત્યાં ૮મીએ જાહેરનામું બહાર પડશે અને ત્યારથી ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી શરૂ થશે.
સેમિફાઈનલ ચૂંટણી
આ ચૂંટણીએ વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી પહેલાની સેમિફાઈનલ જેવી છે. જેમાં સેમિફાઈનલના પ્રથમ રાઉન્ડ અને બીજાે રાઉન્ડ એમ બે તબક્કે છે તેવું કહી શકાય. ૨૦૧૫ની ચૂંટણીમાં તમામ છ મહાનગરોમાં ભાજપનું શાસન આપ્યું હતું. તો અમરેલી સહિત ૩૧ પૈકી ૨૩ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતું. જ્યારે ૨૩૧ પૈકી ૨૨૩ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ જીતી હતી. જ્યારે ૮૧ પૈકી મોટા ભાગની નગરપાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગઈ હતી. જાેકે શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો.
આવું છે છ મહાનગર પાલિકાઓનું પણ મહત્વ
૮૦ લાખથી વધુ મતદારોવાળી અને ૫૦૦ કરતાં વધુ વોર્ડ ધરાવતી છ મહાનગર પાલિકાઓનું પણ મહત્વ છે. અમદાવાદ મહાનગરપાલિકા ત્રણ સંસદીય મતવિસ્તારો, અને ૨૦થી વધુ વિધાનસભા મતવિસ્તારો, વડોદરા મહાનગરપાલિકા એક સંસદીય મત વિસ્તાર સાથે ૯ વિધાનસભા, સુરત એજ સંસદીય મતવિસ્તારો સાથે ૧૨ વિધાનસભા મત વિસ્તારો, જામનગર એક સંસદીય મત વિસ્તારો અને વિધાનસભા જ્યારે રાજકોટમાં ૧ સંસદીય સાથે ૪ વિધાનસભા મત વિસ્તારો તેમજ ભાવનગર એક સંસદીય મતવિસ્તાર સાથે પૂર્વ અને પશ્ચિમ એમ બે વિધાનસભા મત વિસ્તારો ધરાવે છે.
મહાનગરપાલિકાનાં ચૂંટણી ઇતિહાસની રુપરેખા
અમદાવાદમાં મહાનગરપાલિકાનો દૂરનો ભૂતકાળ યાદ ન કરીએ તો પણ ૧૯૯૦ની ચૂંટણી બાદ ૧૯૯૫, ૨૦૦૫, ૨૦૧૦, ૨૦૧૫ની ચૂંટણી ભાજપ જીત્યું છે. જ્યારે ૨૦૦૦માં કોંગ્રેસની બહુમતી આવી હતી. અમદાવાદ પચરંગી શહેર જેવું જ છે. તેમાં ૩૩ વોર્ડની ૧૯૨ બેઠકો પૈકી ૧૪૩ બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને ૪૮ બેઠકો હતી અન્યને એક બેઠક મળી હતી. સુરતમાં પણ ૧૨૦ બેઠકોમાં ૮૦ કરતાં વધુ બેઠકો ભાજપને અને બાકીની કોંગ્રેસ અપક્ષો વચ્ચે વહેંચાઈ ગઈ હતી. વડોદરામાં પણ ૭૬ પૈકી ભાજપની બહુમતી હતી. રાજકોટમાં ભાજપે બહુમતી મેળવી હતી. જાેકે કોંગ્રેસનો દેખાવ પણ લડાયક જ હતો બન્ને વચ્ચે માત્ર ૪ બેઠકોનો તફાવત હતો. જામનગરમાં પણ ૨૦૧૫માં ભાજપની બહુમતી હતી. જ્યારે ભાવનગરમાં પર પૈકી ૩૪ બેઠકો પર ભાજપ અને ૧૮ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી.
ઇતિહાસમાં ફક્ત આ કિસ્સામાં જ ભાજપે સત્તા ગુમાવી હતી.
૧૯૯૫ પછીનો ઈતિહાસ તપાસીએ તો માત્ર અમદાવાદ અને રાજકોટએ બે મહાનગરો એવા છે કે જ્યાં ૨૦૦૦માં ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. પરંતુ ૨૦૦૫ બાદ સતત ત્રણ ચૂંટણી ભાજપની બહુમતીવાળી રહી છે. ૨૦૧૫માં તમામ છ મહાનગરપાલિકાઓમાં ભલે કોંગ્રેસને સત્તા મલી ન હોય, પરંતુ તેની તાકાત ૨૦૧૦ના પ્રમાણમાં વધી હતી. જો કે પાટીદાર અનામત આંદોલનના પ્રભાવ છતાં કોંગ્રેસ એક પણ મહાનગરમાં સત્તા મેળવી શકી નહોતી. રાજકોટમાં તો મહાનગરપાલિકાની રચના થઈ, ત્યારે નોમીનેટેડ બોડી કે જે બે વર્ષ માટેની હોય છે તે કોંગ્રેસની હતી. પરંતુ ૧૯૭૫થી શરૂ થઈ જેટલી ચૂંટણીઓ થઈ તેમાં એક ચૂંટણીને બાદ કરતાં બધી ચૂંટણી ભાજપ જીત્યું છે. અમદાવાદમાં મહાગુજરાત જનતા પરિષદવાળા ૧૯૬૦ – ૬૨ના સમયગાળાને બાદ કરતા મહાનગરપાલિકામાં કોંગ્રેસ જ જીતી છે. વડોદરામાં ૧૯૮૭ વાળા જસપાલસિંહની આગેવાની હેઠળની સ્થાનિક સમિતિવાળા સમયને બાદ કરતાં ત્યાં ભાજપનું રાજ રહ્યું છે. જામનગરમાં ૮૨ પછી અપક્ષોના રાજવાળા એક તબક્કાને બાદ કરતા ભાજપનું રાજ રહ્યું છે. જ્યારે ભાવનગરમાં નોમિનેટેડ બોર્ડ કોંગ્રેસનું હતું. ૧૯૮૫માં કોંગ્રેસને ૫૧માંથી ૨૩ બેઠકો મળતા બીજા પક્ષોનો સાથ લઈ બે વર્ષ વહિવટ ચલાવ્યો પણ પછી તો સ્થિતિ પલટાઈ ગઈ હતી. ૧૯૯૫માં તો ભાજપે ૫૨ પૈકી ૪૫ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ અને સીપીએમને ૧ બેઠક મળી હતી જ્યારે ૨૦૦૦માં ભાજપને પેપરથીન એટલે કે પાતળી બહુમતી મળી હતી. સામે પક્ષે કોંગ્રેસને ૧૮, સીપીએમ ૪ જનતાદળ (યુ) ૨ બેઠકો મળી તત્કાલીન વિપક્ષને ૨૪ બેઠકો મળી હતી. જાે કે ત્યારપછી કોંગ્રેસની તાકાત ઘટતી રહી છે જાે કે ઉપર જણાવી ગયા તે પ્રમાણે ભાજપની તાકાતમાં વધારો થયો છે. જાે કે ૨૦૧૫માં કોંગ્રેસે અન્ય મહાનગરોની જેમ ભાવનગરમાં સ્થિતિ સુધારી છે.
આ વખતે સત્તાનાં સેમિફાઇનલની પરિસ્થિતિ 100% એક તરફી નથી
જો કે આ વખતે સત્તાની સેમિફાઈનલમાં પરિસ્થિતિ સો ટકા એક તરફી નથી. ભલે વાતો અને દાવાઓ ગમે તેવા બન્ને પક્ષો દ્વારા થતાં હોય પરંતુ બન્ને પક્ષોને પોતાની તાકાત ઘટાડા માટે તૈયાર રહેવું પડે તેમ છે. ભૂતકાળમાં ઘણી બેઠકો પર અપક્ષો ચૂંટાતા હતા અને કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની હાર માટે પણ કારણભૂત બનતા હતા. આ એક વાસ્તવિકતા હતી. પરંતુ આ વખતે દિલ્હીમાં સત્તાના સૂત્રો મેળવનારી આમ આદમી પાર્ટી તમામ છ મહાનગરોમાં તમામ બેઠકો લડવાની છે. જ્યારે જો સ્થાનિક કક્ષાએ સમજૂતિ ન થાય તો એન.સી.પી. પણ મોટા ભાગની બેઠકો લડશે. જ્યારે છોટુભાઈ વસાવાના ખભે બંદુક મુકી ગુજરાતના રાજકારણમાં પ્રવેશનાર ઓવૈસીના પક્ષ એ.આઈ.એમ.એમ. પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરના લઘુમતીની વધુ વસ્તિવાળા વોર્ડમાં ચૂંટણી લડવા તૈયાર છે. આ ઉપરાંત શંકરસિંહ બાપુ પ્રેરીત પ્રજાશક્તિ પાર્ટી પણ મોટા ભાગની બેઠકો લડી શકે છે. સમાજવાદી પક્ષ અને બસપા પણ કેટલીક બેઠકો પર નસીબ અજમાવી શકે છે. જો કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બન્નેના ગણિત બગાડી શકે છે. જ્યારે બાકીના પક્ષો તો ભાજપની બી ટીમ તરીકે તેના ઉમેદવાર જીતે કે ન જીતે પણ કોંગ્રેસના મતો બગાડશે એ નક્કી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
