હમ અપને અપને ખેતોમેં ચાવલ ઓર બંઘુક કી જગહ બંદૂકે ક્યુ બોતે હૈ ? જેવા શબ્દો મનની ભીતરમાં ટીસ જગાવી જાય છે. કેમ કે, પૃથ્વી પર હંમેશા શાંતિ રાખવાનો પ્રયાસ પણ ગોળા-બારૂદ અને બંદૂકના નાળચે જ થાય છે. શાંતિ સ્થાપવાનો આ પ્રયાસ મરણીયો જ નહી મારણીયો પણ છે અને કઈ કેટલીય જાનો પણ તેમાં ગુમાવવાની થાય છે. તેમછતાં પાકિસ્તાન જેવું રાષ્ટ્ર તેના જન્મપર્યંન્તથી આજ દિન સુધી જંપીને બેઠું નથી. સરહદના ગામડાઓ પર મોર્ટરમારો કરવો તે તેની દિનચર્યાનો એક હિસ્સો છે. અને અહીં કદાચ દુઃખદ નહી પરંતુ આશ્ચર્યજનક બાબત તે છે કે, ન યુદ્ધ છે , ન કોઈ કારણ છે. તેમછતાં નાદાનિયતનો આ આલમ છે.
પાછલા કેટલાક સમયથી પાકિસ્તાનની હાલત સાવ ખસ્ત થઇ ચુકી છે. મોંઘવારી અધધ છે, અમેરિકી સહાય પર તે નભતું હતું તે પણ લાંબા સમયથી બંધ છે , તેમછતાં તેની તેની અક્કલ છે કે, ઠેકાણે આવવાનું નામ લેતી નથી. કયારેક ચીન તો ક્યારેક તુર્કસ્તાનના ચરણોમાં આળોટી મદદની ગુહાર લગાવતું આ નાપાક રાષ્ટ્ર ફક્ત દરિદ્ર જ નથી થયું. પરંતુ દુનિયાભરમાં તેની ઈજ્જત પણ મીયા ફુસકીની જેમ દાવે લાગી છે. જે મુસ્લિમ રાષ્ટ્રોની એકતાના ગાણાં ગઈ તેને ચરી ખાવું હતું તે જ મુસ્લિમ રાષ્ટ્રો તેને લતાડી રહ્યા છે. ઈજ્જતની ધજ્જિયા ઉડેતેવું આજકાલ આ બદનામ રાષ્ટ્ર સાથે થઇ રહ્યું છે. અને કદાચ તે જ તેની લાયકાત પણ છે..
@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કોલમથી....
ત્યારે ખાલી પેટે અને ખાલી ખિસ્સાએ ભારતને ઘમરોળવાના સપના જોતા પાકિસ્તાનને હાલ તેના જ મિત્ર મલેશિયાએ શરમમાં મૂક્યું હતું. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી વિમાન કંપની “પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ ” ના બોઇંગ 777 યાત્રી વિમાન ને જપ્ત કરી લીધું છે. જેમાં પાકિસ્તાનની મીડિયા રિપોર્ટ મુજબ, આ વિમાન લીઝ પર લેવામાં આવ્યું હતું. પરંતુ નાણાંની ચુકવણી ન થતાં ક્વાલાલમ્પુર એરપોર્ટ પર યાત્રીઓ અને ક્રૂ મેમ્બર ને બેઈજ્જત કરી ઉતારી દેવામાં આવ્યા હતા. અને આ સમાચારો દુનિયાભરના મીડિયામાં ચમકતા પાકિસ્તાનની ઈજ્જતની ધજ્જિયા ઉડી હતી. વધુમાં આ અંગે પાકિસ્તાની અખબાર ડેલી ટાઈમ્સ મુજબ, ઇન્ટરનેશનલ એરલાઈન્સ ના બેડામાં કુલ 12 – 777 બોઇંગ વિમાન છે. આ વિમાનોને અલગ-અલગ કંપનીઓ પાસેથી ડ્રાય લીઝ (dry lease) પર લેવામાં આવ્યા છે. પરંતુ મલેશિયાએ જે બોઇંગને જપ્ત કર્યું તેના નાણાં સમયે ન ચૂકવાયા હોવાથી આ પ્રકારે તેણે અપમાન વેઠવું પડ્યું છે.
જો, કે આ અગાઉ પણ પાકિસ્તાનના પુરાણા મિત્ર સાઉદી અરબે ઇમરાન ખાન સરકાર પાસેથી તેમના 3 અરબ ડોલર પાછા માંગી લીધા હતા. તે સમયે પણ તેણે શરમ માં મુકાવવું પડ્યું હતું. અને વળી નાણા ન હોવાથી તેણે તેના લેભાગુ મિત્ર ચીન પાસેથી આ નાણાં ઉછીના લઈ ઈજ્જત બચાવવાની કોશિશ કરી હતી..ત્યારે કહેવાનો આશય છે કે, સ્થિતિ બદથી બદતર થતી ચાલી છે પરંતુ જનાબ કહી રહ્યા છે કે, હમ કભી નહિ સુધરેંગે. ભારતને પછાડવાની હર નાકામિયાબ કોશિશ ચાલુ જ રહેશે. ભારતમાં ઘુષણખોરી કરવાની એક પણ તક નહીં ચુકવી તે તેની નેમ છે. તેમાં પણ જ્યારથી મોદીજીએ કાશ્મીરમાં ધારા-370 હટાવી છે ત્યારનું પાકિસ્તાનનું ચેન છીનવાઈ ગયું છે. તે કયારેક ઇન્ટરનેશનલ મંચ પર તો ક્યારેક ઇસ્લામી મંચ પર આ મામલો છેડવાનો પ્રયાસ કરતુ રહે છે. પરંતુ તેણે બીજાના ઘર સળગાવવાને બદલે પોતાના ઘરમાં પણ એક નજર કરવાની જરૂર છે.
આ રાષ્ટ્ર ભારત સાથે જ્યારેને ત્યારે અવળચંડાઈ કરી ભારતને નાકે દમ કરતુ રહે છે, ત્યારે તેણે પોતાની આંતરિક સ્થિતિ સામે પણ એક નજર નાખવાની જરૂર છે. અન્યથા એક ઓર બાંગ્લાદેશનું ક્યાંક નિર્માણ થઇ જશે. જી, હા હાલમાં જ પ્રાપ્ત અહેવાલો મુજબ, પાકિસ્તાનની ઇમરાન સરકારથી પરેશાન સિંધ પ્રાંતના લોકોએ અલગ સિંધુદેશ બનાવવાની માંગણીઓ લઈને પ્રદર્શનો યોજ્યા હતા.
બને કે, આ કોઈ રાષ્ટ્રનો આંતરિક મામલો લાગે. પરંતુ આ રેલીમાં સામેલ લોકોએ મોદીજી અને દુનિયાના અન્ય નેતાઓને સિંધુદેશ બનાવવાની માંગણી કરી છે. હકીકતમાં પાકિસ્તાનમાં સિંધ પ્રાંતને ચીનને હાથે વેચવાનો વિરોધ કરી રહેલા લોકોએ અલગ સિંધદેશ બનાવવાની માંગણી કરીને સાન કસ્બામાં રેલી નીકાળી હતી. જેમાં આ પ્રદર્શનકારીઓએ મોદીજીની અને અન્ય દેશના નેતાઓની તસ્વીર સાથે આ રેલી કાઢી હતી. અને મોદીજીને મદદ ની અપીલ કરી છે. તેવામાં ઉલ્લેખનીય છે કે, ઇમરાન સરકાર સિંધ પ્રાંતના લોકો સાથે જબરદસ્તી કરી રહી છે. અને અહીંની જમીન પણ ચીનને વેચી રહી છે. તેમજ સમુદ્રી તટો પણ ચીનને માછલી પકડવા આપવામાં આવી રહ્યા છે.
વિશેષમાં આ અગાઉ બલૂચિસ્તાનની પણ આ જ સ્થિતિ છે. અહીં પણ અવાર-નવાર આવી માંગણીઓ થતી રહે છે. અને મોદીજીને આ મામલે હસ્તક્ષેપ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. જો, કે સિંધ માં પણ આ આંદોલનને બાંગ્લાદેશના નિર્માણ બાદ તુરંત સિંધના નેતા જીએમ સૈયદે શરુ કર્યું હતું. તેમણે સિંધના રાષ્ટ્રવાદને નવી દિશા આપી હતી અને સિંધુદેશનો વિચાર આપ્યો હતો. જેમાં આ નેતાઓનું માનવું છે કે, સંસદીય તરીકાઓથી તેમને કદાપિ આઝાદી મળશે નહીં . ત્યારે હાલમાં જ ફરી બલુચિસ્તાનમાં સિંધના આઝાદી સમર્થકોએ એલાન કર્યું હતું કે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર નો તેઓ મળીને વિરોધ કરશે. તેઓએ જણાવ્યું હતું કે, ચીનના સીપીઈસી પ્રોજેક્ટથી સિંધ અને બલુચિસ્તાન તેમ બંને પ્રભાવિત થયા છે.
વિશેષમાં બલુચ રાજી અલોઈ સંગર સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,સીપીઈસી દ્વારા ચીન આ બન્ને ક્ષેત્રો પર કબ્જો કરવા માંગે છે. અને એટલું જ નહી પરંતુ ગ્વાદર અને બાદિનના તટીય સંશાધનો પર પણ નિયત્રંણ કરવા ધારે છે. જો, કે દમન અને જુલ્મ તે પાકિસ્તાનનો સ્વભાવ છે, અને તે પોતીકાંઓ સાથે હોય કે પારકાઓ સાથે પરંતુ તે તેનો સ્વભાવ ત્યજી ન શકે. અને આ જ સ્વભાવને કારણે તેને બાંગલાદેશ ગુમાવવું પડ્યું હતું.. હવે આ જ પ્રકારે બલુચિસ્તાન, સિંધ અને ક્યાંક પંજાબ પ્રાંતમાં જુલ્મનો આછેરો નાદ સંભાળ છે કે, જેમાં તેમની સિસકિયો પણ ભળેલી છે.
તો સામે છેડે ભારતમાં નરેન્દ્ર મોદીજી જેવા બાહોશ નેતા છે. તેઓ શ્રી કૃષ્ણ ની જેમ શાંતિ વાર્તામાં માને છે માટે જ હજુ સુધી પાકિસ્તાનને સહન કરી રહ્યા છે. અન્યથા સરદાર અને ઇન્દિરા બાદ ના આ લોખંડી પુરુષની પરીક્ષા લેવાનું પાકિસ્તાનને ક્યારેક ભારે પડી શકે છે. જે નેતા ગણતરીનાં કલાકમાં જ પુલવામાં એટેકનો ઘરમાં ઘુસી સર્જીકલ સ્ટ્રાઈક કરી જડબાતોડ જવાબ આપી શકતા હોય તો ? તો ઘણું બધું થઇ શકે તેમ છે.. પરંતુ પાકિસ્તાને હાલ તો તે વિચારવાનો સમય છે કે, ભારત નહિ તો અમેરિકા અને હવે અમેરિકા પણ નહિ તો ચીન તેને એક ને એક દિવસ ખંડિયુ રાજ્ય બનાવીને જ જપશે.
અને છેલ્લે જે દેશના નાગરિકોને બે ટંક ખાવાનું પૂરું ન મળતું હોય. રોજગારીની કોઈ શક્યતા ન હોય, જેને કારણે ભટકેલ નવલોહિયા યુવાનો સૈન્યને બદલે આંતકી કેમ્પોમાં ભર્તી થતા હોય તે દેશે શું ખેતરોમાં ઘઉં અને ચોખા વાવવાને બદલે આ યુવાનો અને બાળકોના દિમાગમાં કટ્ટરતા છલોછલ ભરી બંદુકો ઉઠાવવા મજબુર કરવા જોઈએ ? કે લોકોને ગરીબીના ખપ્પરમાં હોમી અન્ય દેશોની ગુલામી કરવી જોઈએ?? પાકિસ્તાન અગર આ બાબત નહી સમજે તો કાલે ડ્રેગન તેને ગળી જશે તે નક્કી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

