અમેરીકામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પેશાબ કરતી વખતે આકસ્મિક રીતે પોતાના જ ખિસ્સામાં રાખેલી લોડેડ બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ. આ વ્યક્તિ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સબવે સ્ટેશન પર પેશાબ કરી રહ્યો હતો ત્યારે તેણે આકસ્મિક રીતે ખિસ્સામાં ભરેલી પિસ્તોલનું ટ્રીગર દબાવી દીધુ, જેના કારણે તેના પોતાના પગમાં ગોળી વાગી ગઇ. એક અહેવાલ પ્રમાણે, 39 વર્ષીય વ્યક્તિએ સ્ટેશનની અંદર લગભગ 12:20 વાગ્યે આકસ્મિક રીતે ટ્રિગર દબાવી દીધુ હતું. અકસ્માત પછી તરત જ તેણે હથિયાર અન્ય વ્યક્તિને આપી દીધું અને તે વ્યક્તિ બંદૂક લઇને ત્યાથી ભાગી ગયો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ગોળીનો જોરદાર અવાજ થતાં આ ઘટના તેમના ધ્યાનમાં આવી હતી. માર્ગારીતાવિલે રિસોર્ટના સુરક્ષા રક્ષક 52 વર્ષીય માઈકલ બૌયાએ કહ્યું, “તે એક જોરદાર શોટ હતો.”ઘાયલ બંદૂકધારીને તાત્કાલિક બેલે વ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ તેમને સ્થિર જાહેર કર્યા છે.
40 મી સ્ટ્રીટ પર સ્મોક સિટી નામની તમાકુની દુકાનમાંથી રેકોર્ડ થયેલો ઘટનાનો વીડિયો જોતા દેખાયુ કે, ગ્રીન કલરની ટોપી પહેરેલો આ ગનમેન સ્ટેશનના પરિસરમાં પ્રવેશતા પહેલા કેટલાક માણસો સાથે ગપસપ કરતો દેખાઈ રહ્યો છે. થોડીવાર પછી, હળવા ગુલાબી રંગની હૂડી પહેરેલો બીજો માણસ, શંકાસ્પદ રીતે ઉતાવળમાં સ્ટેશનથી બહાર નીકળ્યો. અહેવાલો અનુસાર, શંકા છે કે શૂટરે ગુલાબી હૂડીમાં રહેલા માણસને બંદૂક આપી હતી.
ટાઈમ્સ સ્ક્વેર સબવેમાં ‘પી-શૂટિંગ’ એ દિવસની બીજી સનસનીખેજ ઘટના હતી. આ ઘટનાના કલાકો પહેલા લેની જેવિયર નામની મહિલાને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. તેના ચહેરા પર થોડા કટ અને ઉઝરડાઓ થયા હતા.
