કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે, સરકાર દ્વારા શ્રીનગર અને કાશ્મીરમાં જિલ્લા મુખ્યાલયમાં સુરક્ષિત ગણાતા સ્થળોએ ટ્રાન્સફર કરાયેલા 177 શિક્ષકોના નામ મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. આ પછી ગુસ્સામાં કાશ્મીરી પંડિત શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તાવી પુલને જામ કરી દીધો. ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ કહ્યું કે, અમને કાશ્મીરની બહાર ટ્રાન્સફર કરવાને બદલે સરકારે યાદી જાહેર કરીને આતંકવાદીઓને આમંત્રણ આપ્યું છે.
કાશ્મીરથી પરત ફરેલા હિન્દુ સરકારી કર્મચારીઓ, જેઓ છેલ્લા 4 દિવસથી તેમની ટ્રાન્સફરની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ હવે ખુલ્લેઆમ સરકાર સામે આવ્યા છે અને તેમની ટ્રાન્સફરની માંગ પર અડગ છે. ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ શનિવારે જમ્મુના તાવી પુલ પર જામ કરી દીધો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સરકારી કર્મચારીની ખીણમાંથી જમ્મુ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. સરકારી કર્મચારીઓની માંગ છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી કાશ્મીર ઘાટીમાં કોઈપણ સુરક્ષા વિના કામ કરી રહ્યા છે, પરંતુ હવે કાશ્મીર ઘાટીમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં તેઓ સુરક્ષિત અનુભવી રહ્યા નથી.
ભાજપે શનિવારે કાશ્મીરી પંડિત કર્મચારીઓની ટ્રાન્સફર સૂચિને સાર્વજનિક કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેને સુરક્ષામાં ભંગ ગણાવ્યો હતો અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. યાદી અનુસાર, વડાપ્રધાન પુનર્વસન પેકેજ હેઠળ નોકરી મેળવનાર 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી કરવામાં આવી છે. ટ્રાન્સફરની યાદી WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.
બીજેપી પ્રવક્તા અલ્તાફ ઠાકુરે એક નિવેદનમાં કહ્યું કે, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાન્સફર લિસ્ટને સાર્વજનિક કરવું એ એક મોટો સુરક્ષા ભંગ છે કારણ કે હવે આતંકવાદીઓને સ્પષ્ટ ખ્યાલ હશે કે તેઓ ક્યાં પોસ્ટ કરવામાં આવ્યા છે.” તેમણે સરકારને યાદી લીક થવાના મામલે કડક પગલાં લેવા અને કાશ્મીર ખીણમાં પસંદગીની હત્યાઓ કરવામાં આવી રહી છે તેવા સમયે યાદી જાહેર કરનારાઓને શોધી કાઢવા વિનંતી કરી.
