પ્રહાર/ ચૂંટણી જીતવાની તૈયારીઓ, યુપીમાં ભાજપનું નેતૃત્વ બન્યું વધુ સક્રિય

ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને યુપી ચૂંટણી માટે ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખીમપુર ખેરી સંબંધિત ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે

Top Stories

ઉત્તર પ્રદેશની ચૂંટણી લખીમપુરમાં થયેલી હિંસાના કારણે હારી ન જાય એ માટે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ હવેથી સક્રિય બન્યું છે પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને યુપી ચૂંટણી માટે ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખીમપુર ખેરી સંબંધિત ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

યુપી ચૂંટણી પહેલા જ બનેલી આ ઘટના અંગે, ભાજપને લાગે છે કે વિપક્ષી પાર્ટીઓ રાજકીય લાભ લેવાનો  પ્રયાસ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “લખીમપુર ઘટના પછી, અમારો પ્રયાસ રહેશે કે વિપક્ષ રાજ્યનું વાતાવરણ વધુ બગાડે નહીં.” ભાજપે નક્કી કર્યું છે કે ખાસ કરીને કોંગ્રેસને વળતો પ્રહાર કરવો જોઈએ કારણ કે ભાજપને લાગે છે કે કોંગ્રેસે તેના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓને યુપીમાં મોકલીને લખીમપુર ખેરી ઘટનાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આવું કરીને કોંગ્રેસે ખોટી પરંપરા શરૂ કરી છે. “કલ્પના કરો કે જો આપણે આપણા મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે મોકલવાનું શરૂ કરીએ તો! દરેક બાબતે રાજકારણ ન થવું જોઈએ. સરકાર આવા તકવાદી રાજકારણીઓને વાતાવરણ બગાડવાની મંજૂરી આપી શકે નહીં.”

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને કોંગ્રેસ દ્ધારા યુપી ચૂંટણીના વરિષ્ઠ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે તેમને અને પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવાને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારવામાં આવી હતી.

ખેડૂતો સાથે વાત કર્યા બાદ યુપી સરકારે પીડિતોના પરિવારોને વળતર અને નોકરીની જાહેરાત કરી હતી. હાઇકોર્ટના નિવૃત્ત જજ રવિવારે આ ઘટનાની તપાસ કરશે. રવિવારે બપોરે લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ઘુસી ગયાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. સમગ્ર કેસમાં કુલ આઠ મોત નોંધાયા છે.