IPL 2020/ પંજાબે કોલકતા સામે મેળવી 8 વિકેટે જીત, ક્રિસ ગેલ અને મનદિપસિંઘ રહ્યા જીતનો હીરો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 46 મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી, જ્યાં ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થયા બાદ પરત ફરતી પંજાબની ટીમે લીગમાં સતત 5 મી જીત મેળવી હતી

Top Stories Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 46 મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી, જ્યાં ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થયા બાદ પરત ફરતી પંજાબની ટીમે લીગમાં સતત 5 મી જીત મેળવી હતી અને પ્લેઓફ રેસમાં બની રહીને 12 પોઇન્ટ બનાવ્યા.

પંજાબની ટીમે સોમવારે દરેક વિભાગમાં કોલકાતા ટીમને હરાવી 8 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે પંજાબની ટીમ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે. શારજાહ મેદાન પર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની ટીમે શાનદાર બોલિંગ કરી કોલકાતાની ટીમને 149 રન સુધી રોકી દીધી હતી. જોકે, કેકેઆરની આ ઇનિંગ દરમિયાન માત્ર શુબમેન ગિલ (57), ઇઓન મોર્ગન (40) અને લોકી ફર્ગ્યુસન (24)  બેવડા આંકડાને પાર કરી શક્યા હતા. જ્યારે ટીમનાં 8 બેટ્સમેન માત્ર 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

વળી કેપ્ટન કે.એલ.રાહુલ અને મનદીપસિંહે ફરી એકવાર કિંગ્સ ઇલેવન પંજાબ માટે સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. વરુણ ચક્રવર્તીએ કે.એલ.રાહુલને 28 રનનાં સ્કોર પર આઉટ કરી પહેલો ઝટકો આપ્યો હતો. જ્યારે ક્રિસ ગેલ (51) અને મનદીપ સિંઘ (અણનમ 66) એ અડધી સદીની ઇનિંગ રમીને તેમની ટીમને સતત પાંચમી જીત અપાવી. ક્રિસ ગેલ, આ સિઝનમાં તેની 5 મી મેચ રમી રહ્યો છે, ત્યારે તેણે તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી, જ્યારે અંગત જીવનમાં પિતાનાં મૃત્યુ પછી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા મનદીપસિંહે તેની આઈપીએલ કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. મનદીપે અર્ધસદી પોતાના પિતાને અર્પણ કરી હતી.