જમીન વિવાદમાં વકીલને ધમકી આપવાના મામલે સોલા હાઇકોર્ટ પોલીસે બે કોન્સ્ટેબલની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વકીલને જાનથી મારી નાખવાના ધમકી મળવાના મેસેજ વાયરલ થવાથી અમદાવાદના વકીલ આલમમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.
કેસની સંપૂર્ણ વિગત એવી છે કે , ભરત બ્રહ્મભટ્ટ નામના એડવોકેટ કે જે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી ત્રિશલા સોસાયટીમાં રહે છે, અને છેલ્લા 30 વર્ષથી ઘી કાંટા મેટ્રો કોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં વકીલાત કરીને પોતાનો ગુજરાન ચલાવે છે. તેમણે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ બળદેવ દેસાઈ અને ઈશ્વર દેસાઈ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમના અસીલ તુષાર પટેલ અને મનુભાઈ પટેલને છેલ્લા ઘણા સમયથી દહેગામ પાસે આવેલી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે તેમણે સિવિલ કોર્ટમાં ભાવેશ અમીન તેમજ નરેશ અમીન વિરુદ્ધ દાવો પણ માંડયો હતો. એટલુંજ નહિ થોડા સમય પહેલા આરોપીઓની સામે ફરિયાદીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
વકીલ ભરત ભાઈને બંને કોન્સ્ટેબલોએ ફોન ઉપર ધમકી આપી હતી કે , તેઓ રૂપિયા લઈને કેસમાંથી ખસી જાય અને બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરવામાં કોઈ રોક ટોક ના કરે. જે બાબતે ભરતભાઈએ જવાબ આપ્યો હતો કે જો તેમના અસીલ કહેશે તો તેઓ કેસમાંથી દૂર જતા રહશે. બંને પોલીસ જવાનોએ આ જવાબ સાંભળીને વકીલ ભરત ભાઈને ગંદી ગાળો આપીને તેમને જોઈ લેવાની ધમકી આપતા ભરત ભાઈએ પોતાના અન્ય ત્રણ સાથી એડવોકેટની મદદ મેળવીને સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં બંને પોલીસ કોન્સ્ટેબલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.