Tapi Rain News: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ચોમાસાના ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને કોઝવે (Sinod Causeway)ને નુકસાન પહોંચ્યું હતું. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કર્યું છે, જેના કારણે મુખ્ય માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.આ કામગીરીથી સ્થાનિક ગ્રામજનો તેમજ દૈનિક મુસાફરી કરતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

Sinod Causeway: સિનોદ વડ ફળિયા રોડનો કોઝવે ફરી શરૂ
સોનગઢ તાલુકાના સિનોદ (Sinod Causeway) વડ ફળિયા રોડ પર આવેલો કોઝવે ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેના એપ્રોચ રોડને નુકસાન થતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો.પરંતુ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે તાત્કાલિક સમારકામ શરૂ કરીને એપ્રોચ રોડને ફરી ઉપયોગલાયક બનાવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ કોઝવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

નાની ખેરવણ નજીક માર્ગનું પણ સમારકામ
સોનગઢ-ગોડા માર્ગ પર નાની ખેરવણ નજીકનો રસ્તો પણ ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયો હતો. રસ્તા પર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.તંત્ર દ્વારા ડમ્પરની મદદથી મેટલવર્ક કરીને ખાડા પૂરવામાં આવ્યા અને માર્ગને સમતલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. સમારકામ પૂર્ણ થતાં આ માર્ગ પણ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે.

તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે
ચોમાસા દરમિયાન વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત માર્ગોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જ્યાં પણ વરસાદને કારણે નુકસાન થશે ત્યાં તાત્કાલિક સમારકામ કરીને લોકોની અવરજવર સુચારૂ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:આણંદના તારાપુરના ભાલ વિસ્તારમાં જળબંબાકાર: 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, 25 હજાર વિઘા ખેતી પાણીમાં ગરકાવ
આ પણ વાંચો:સુરતના સાણિયા હેમાદ ગામમાં વરસાદ બાદ પણ પાણીનો ભરાવો યથાવત, ગ્રામજનોમાં રોષ
