ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જાહેર સેક્ટરમાં કાર્યરત લોકોની સલામતી માટે ફરી એકવાર જોખમ ઉભું થયું છે. જાહેર સેક્ટરમાં કાર્યરત લોકો દિવસ દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવે છે. અને નાનકડી બેદરકારી તેમને કોરોનાના ખપ્પરમાં હોમી દે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોના માં રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે શાળાના બાળકો અને શિક્ષકો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યાં હવે બેન્કના કર્મચારીઓ પણ કોરોનાની અડફેટે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા વડાલીમાં BOBના બે કર્મીઓને કોરોના સંક્રમિત બન્યા છે. રેપીડ ટેસ્ટ કરાતા બંનેના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. જયારે અન્ય કર્મચારીઓના રીપોર્ટ નોર્મલ આવ્યા છે. બંને કર્મચારીને સારવાર માટે મોકલવામાં આવ્યા છે તો બેંક અને આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરાયું છે. આ કર્મચારીઓના પરિવારજનોના પણ કોરોના સેમ્પલ લેવામાં આવશે અને તેમના પણ રીપોર્ટ કઢાવવામાં આવશે.
જીલ્લામાં વકરતા કોરોનાને લઇ સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે તંત્ર દ્વારા શનિવાર-રવિવારે પણ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. હોળી-ધૂળેટીના પર્વ પર પોળો ફોરેસ્ટમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.
અત્રે નોધનીય છે કે, ગત ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે SBI ની એક બ્રાન્ચમાં એક સાથે 15 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. બેન્કના ઉચ્ચ અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાતા સ્થાનીકોમાં ફરી એકવાર કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં દૈનિક નોધાતા કોરોના કેસના આંકડાએ પણ ગઈકાલે રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના આવ્યો ત્યારથી માંડી નોધાયેલા કેસમાં ગત રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. જેમાં ૧૬૪૦ કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા પણ ૩ લાખની નજીક પહોચવા આવી છે.
