મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધનની સરકાર બની ગઇ છે. જો કે, ત્રણેય પક્ષોનું સાથે આવવું એટલું સરળ નહોતું અને આ માટે, ઘણા દિવસો સુધી વાટાઘાટોનો દોર ચાલુ રહ્યો હતો. વળી એનસીપીનાં પ્રમુખ શરદ પવારનાં ભત્રીજા અજિત પવારે અચાનક ભાજપને ટેકો આપ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રની રાજકીય ગરમા-ગરમી વધી ગઇ હતી. વળી મહા અઘાડી સરકારે ગૃહમાં વિશ્વાસ વોટ જીત્યાનાં થોડા દિવસ બાદ શરદ પવારે આખરે જણાવ્યુ કે અજિત પવારે શા માટે ભાજપ સાથે જવાનું નક્કી કર્યું હતુ.
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનવા પાછળ શરદ પવારનું મગજ હોવાનો દાવો સૌ કોઇ કરે છે, શરદ પવારે ખુદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી શિવસેના સાથે જવા તૈયાર નહોતી, પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસનાં યૂનિટનાં નેતાઓ અને શરદ પવારનાં કહેવા પર તે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે જવા સંમત થયા. જો કે શરદ પવાર દ્વારા અજિત પવારને ભાજપ સાથે જવા માટે આપવામાં આવેલા કારણોને લીધે કોંગ્રેસ પોતાને અસ્વસ્થતા અનુભવી શકે છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકારનાં શપથ ગ્રહણ પૂર્વે અનેક તબક્કાની બેઠક બાદ ત્રણેય પક્ષો વચ્ચે થયેલી પાવર શેરીંગ ડીલ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. શરદ પવારે કહ્યું, ‘એનસીપી પાસે શિવસેના કરતા બે બેઠકો ઓછી અને કોંગ્રેસ કરતા 10 બેઠકો વધારે છે. શિવસેનાને સીએમ પદ મળ્યું અને કોંગ્રેસને સ્પીકર મળ્યું, મારી પાર્ટીને શું મળ્યું? ડેપ્યુટી સીએમનો કોઈ અધિકાર નથી.’ આ સાથે જ શરદ પવારે અજિત પવારનાં ભાજપ સાથે બળવો કરવાના મામલે પણ પ્રતિક્રિયા આપી હતી.
શરદ પવારે કહ્યું કે, એનસીપી-કોંગ્રેસની બેઠક દરમિયાન કોંગ્રેસનાં નેતાઓનાં નબળા વર્તનને કારણે અજિત પવાર ભાજપમાં જોડાવા મજબૂર થયા. તેમણે કહ્યું કે અજીત પવારે સંભવત ભાજપ સાથે જવાનું વિચાર્યું કારણ કે તેમને લાગે છે કે આ ગઠબંધન ચાલશે નહીં. એનસીપી-કોંગ્રેસની બેઠકમાં નેતાઓમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. એનસીપી નેતાઓને મારે ત્યાંથી ચાલી જવાનું કહેવુ પડ્યુ હતું. કદાચ ત્યારે અજીત પવારે ભાજપ સાથે જવાનું નક્કી કર્યું કારણ કે તેમને લાગ્યું હતું કે આ ગઠબંધન ચાલશે નહીં. જો કે શરદ પવારે કહ્યું કે અજિત પવારનાં નાયબ મુખ્યમંત્રી પદની શપથ લેવુ મને સંપૂર્ણપણે આઘાતજનક લાગ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
