Sikkim News/ સિક્કિમથી સિલિગુડી જતાં પરિવારના 4 સભ્યો ગુમ, તિસ્તા નદીમાંથી કાર મળી

સિક્કિમના ગંગટોકથી સિલિગુડી જતી વખતે ટાટા નેક્સોન કાર તિસ્તા નદીમાં તણાઈ ગઈ છે. NDRF એ 11 ફૂટ ઊંડેથી કાર શોધી કાઢી પરંતુ બાળક સહિત પરિવારના 4 સભ્યો હજુ પણ ગુમ છે.

NATIONAL Top Stories India
Sikkim Siliguri Family Missing:

Sikkim Siliguri Family Missing: ઉત્તર-પૂર્વ ભારતના પહાડી વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત વચ્ચે એક અત્યંત આઘાતજનક અને ચિંતાજનક અકસ્માત સામે આવ્યો છે. સિક્કિમના ગંગટોકથી પશ્ચિમ બંગાળના સિલિગુડી જઈ રહેલા એક જ પરિવારના ચાર સભ્યો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. શનિવારે દિવસભર ચાલેલા મેગા સર્ચ ઓપરેશન બાદ એનડીઆરએફ (NDRF) ની ટીમે તિસ્તા નદીના ધસમસતા પ્રવાહમાંથી આ પરિવારની કાર શોધી કાઢી છે. નદીમાં આશરે ૧૧ ફૂટની ઊંડાઈએથી વાહનને બહાર કાઢવામાં આવ્યું હોવા છતાં, કારની અંદર કે આસપાસ પરિવારના ચારેય સભ્યોનો કોઈ પતો મળ્યો નથી. ગુમ થયેલા લોકોને શોધવા માટે રવિવારે વહેલી સવારથી ફરી રેસ્કયૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

Sikkim : કારમાં માસૂમ બાળક સહિત 4 લોકો હતા સવાર

સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, આ કમનસીબ પરિવાર પોતાની કાળા રંગની ટાટા નેક્સોન (Tata Nexon) કાર લઈને સિક્કિમથી સિલિગુડી જવા રવાના થયો હતો. આ વાહનમાં ત્રણ પુખ્ત વયના લોકો (મોટેરાં) અને એક માસૂમ બાળક સવાર હતા. શુક્રવારે બપોરે રામ્બી વિસ્તાર નજીક પહોંચીને આ પરિવારે પોતાના સંબંધીઓ સાથે ફોન પર છેલ્લી વાતચીત કરી હતી. એ વાતચીત બાદ અચાનક જ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને આખો પરિવાર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.

ભારે વરસાદ, ભૂસ્ખલન અને તિસ્તા નદીનું રૌદ્ર સ્વરૂપ

શુક્રવારે બપોરના સમયે સેવોકે અને બાગપુલ વચ્ચે આવેલા વેલાબારી વિસ્તારમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી હતી. ભારે વરસાદને કારણે પર્વતીય નાળાઓ અને પ્રવાહોમાં પાણીનું સ્તર અચાનક ભયજનક રીતે વધી ગયું હતું. આ દરમિયાન પહાડો પરથી મોટા પાયે ભૂસ્ખલન (Landslide) થવા લાગ્યું અને પથ્થરો ધડાધડ નીચે પડવા માંડ્યા, જેના લીધે નેશનલ હાઈવે-૧૦ (NH-10) ને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ભયાનક માહોલ વચ્ચે જ આશંકા સેવાઈ રહી હતી કે કદાચ પરિવારની કાર પહાડ પરથી સીધી નીચે વહેતી તિસ્તા નદીના પૂરમાં તણાઈ ગઈ હશે.

મોબાઈલ લોકેશને આપ્યો અકસ્માતનો સંકેત

પરિવાર ગુમ થતાં જ શનિવારે સવારે સિક્કિમ વહીવટીતંત્ર, પશ્ચિમ બંગાળ પોલીસ, ગુમ થયેલા લોકોના સંબંધીઓ અને NDRF ની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન અકસ્માત સ્થળની બિલકુલ નજીકથી જ મોબાઈલ ફોનનું લાસ્ટ લોકેશન ટ્રેસ થયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નદી કિનારેથી કારની બેટરી અને વાહનના તૂટેલા કેટલાક ભાગો મળી આવતા જ પરિવાજનોની ચિંતા બમણી થઈ ગઈ હતી. ભારે મથામણ બાદ NDRF ના જવાનોએ હોડીઓ અને આધુનિક સાધનોની મદદથી નદીમાં ૧૧ ફૂટ નીચે ખૂંપેલી કારને શોધી કાઢી ક્રેન વડે બહાર કાઢી હતી. જો કે, શનિવારે રાત્રે અંધારું થઈ જતાં અને નદીના જોખમી પ્રવાહને કારણે ઓપરેશન થોડીવાર માટે રોકવું પડ્યું હતું.

NDRF ના ડેપ્યુટી કમાન્ડન્ટના નેતૃત્વમાં ઓપરેશન ફરી શરૂ

સેવોક પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે ૦૬:૦૦ વાગ્યાથી ગુમ થયેલા ચારેય લોકોની શોધખોળ માટે ફરી એકવાર સઘન ઓપરેશન શરૂ કરી દેવાયું છે. NDRF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સંજય રંજન પોતે આ આખા બચાવ કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે. અત્યારે ઘટનાસ્થળે બંગાળ અને સિક્કિમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ખાસ ડાઇવર્સ (તરવૈયાઓ) ની ટીમ અને ગુમ થયેલા પરિવારના આક્રંદ કરતા સંબંધીઓ હાજર છે. નદીના પટમાં દૂર-દૂર સુધી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી ગુમ થયેલા લોકો વિશે કોઈ સચોટ માહિતી મેળવી શકાય.


આ પણ વાંચો: રાજસ્થાનમાં સિક્કિમની છોકરી સાથે પ્રેમ, 24 કલાકમાં આંધળી હત્યાનું રહસ્ય ઉકેલ્યું

આ પણ વાંચો:  સિક્કિમની 30 વર્ષીય યુવતીને મોત ગુજરાત ખેંચી લાવ્યું

આ પણ વાંચો: સિક્કિમમાં ગમખ્વાર અકસ્માત, સેનાનું વાહન ખાડામાં ખાબકતા ચાર જવાનોના મોત