નવી દિલ્હી,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થઇ ચુક્યો છે. ભારતીય ટીમ શ્રેણીમાં ૦-૨થી પાછળ ચાલી રહી છે, ત્યારે હરભજન સિંહે ટીમના મુખ્ય કોચ પર નિશાન સાધ્યું છે. હરભજન સિંહે કહ્યું, “શાસ્ત્રીને આ મુદ્દે બોલવું જ પડશે કારણ કે ટીમની હાર માટે તેઓની પણ જવાબદારી બને છે”.
લોર્ડસમાં થયેલા કારમાં પરાજય અંગે હરભજને રવિ શાસ્ત્રીને આડે હાથ લીધા છે. આ અંગે જણાવતા કહ્યું, “શાસ્ત્રીને આજે નહિ તો કાલે સામે આવીને બોલવું જ પડશે. તેઓ બધા માટે જવાબદાર છે. જો ભારત સિરીઝ હારે છે તો તેઓએ પોતાના બોલેલા શબ્દો ભૂલીને માનવું પડશે કે પરિસ્થિતિ ખૂબ અસર કરે છે”.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કપરા પ્રવાસની શરૂઆતમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “તેઓની ટીમ કોઈ પણ ચીજથી ઘબરાતી નથી અને તેઓમાં સર્વશ્રેષ્ઠ ટીમ બનવા માટે સક્ષમ છે”.
છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડીયામાંથી બહાર ચાલી રહેલા ઓફ સ્પિનરે કહ્યું, “અમારી ટીમમાં મેચમાં પાછા ફરવા માટે કોઈ રસ્તો જ ન હતો. મેચ જીતવા માટે કોઈ રસ જોવા મળી રહ્યો ન હતો અને આ દુઃખદ છે. અમે વિરોધી ટીમને વિના કોઈ સંઘર્ષ કર્યાં વગર હારી રહ્યા છીએ, આ નિરાશાજનક છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “દરેક મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થાય છે અને ટીમનો મિડલ ઓર્ડર પણ સેટ નથી. ગ્રીન વિકેટના કારણે બે સ્પિન બોલર રમાડવા અંગે ઓફ સ્પિનરે કહ્યું, “મેચમાં બે સ્પિનર રમાડવાની કોઈ જરૂરત હતી. આ સાથે ફાસ્ટ બોલરના રૂપમાં ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો યજમાન ટીમ ૧૬૦-૧૭૦ રનમાં સમેટાઈ ગઈ હોત”.
