ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 23 મી મેચ દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી હતી. સીએસકેની ટીમે આઇપીએલ 2021 માં તેની સતત 5 મી જીત મેળવી હતી. સીએસકેની ટીમે વર્ષ 2009, 2013 અને 2014 માં પણ આ સિધ્ધિ મેળવી હતી. હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ બુધવારે 15 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે તેના બેટથી ત્રણ ચોક્કા પણ ફટકાર્યા હતા. આ સાથે રૈનાએ ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેણે આઈપીએલમાં પોતાના 500 ચોક્કા પૂરા કર્યા હતા. આ સાથે તે આઈપીએલમાં 200 સિક્સર અને 500 ચોક્કા ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
બુધવારે CSK અને SRH વચ્ચે રમાયેલી મેચમાં મનિષ પાંડે (61) અને ડેવિડ વોર્નર (57) ની અડધી સદીની ઇનિંગ્સનાં આધારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરી 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઋતુરાજ ગાયકવાડ (75) અને ફાફ ડુપ્લેસિસ (56) એ અડધી સદીની ઇનિંગ રમીને મજબૂત શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. વળી ટીમનાં મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ 15 બોલમાં 3 ચોક્કાની મદદથી અણનમ 17 રનની ઇનિંગ રમી હતી અને ટીમને જીત સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. સુરેશ રૈનાએ ભલે આ દરમિયાન નાની ઇનિંગ્સ રમી હોય પરંતુ આ ઇનિંગ્સ દરમિયાન તેણે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
સુરેશ રૈનાએ આ ઇનિંગ દરમિયાન પ્રથમ ચોક્કા લગાવ્યાની સાથે જ આઈપીએલનાં ઈતિહાસમાં 500 ચોક્કા પૂરા કરનાર ત્રીજો ભારતીય અને ઓવરઓલ ચોથો ખેલાડી બની ગયો છે. સુરેશ રૈનાએ તેની આઈપીએલ કારકિર્દીમાં 502 બાઉન્ડ્રી પૂર્ણ કરી લીધી છે. આઈપીએલનાં ઇતિહાસમાં સુરેશ રૈના પહેલા આ સિદ્ધિ 3 વધુ ખેલાડીઓએ મેળવી છે. આ સૂચિમાં શિખર ધવન 624 ચોક્કા સાથે ટોચ પર છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નર 525 ચોક્કાની સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ શામેલ છે, જેણે 521 બાઉન્ડ્રીઝ ફટકારી છે અને હવે સુરેશ રૈના પણ આ યાદીમાં શામેલ થઈ ગયો છે. આ મેચ દરમિયાન, ડેવિડ વોર્નરે કેટલાક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.

