સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કાયમી ગણી શકાય એવી એક સમસ્યા એટલે પાણીનો પ્રશ્ન. અનેક નેતાઓએ તેના કાર્યકાળ દરમિયાન આ સમસ્યાને ઉકેલવા પ્રયત્નો કર્યા પરંતુ તે દરેક પ્રયાસોમાં કઈક અને કઈક તો ખૂટ્યું જ છે. પાણીના આ પ્રશ્નના કારણે અંતે ભોગવવાનું તો બિચારા સામાન્ય માણસને જ પડે છે. પાણી માટે ઢોર વલખાં મારતા જોવા મળે છે અને ખેડૂતો માટે ખતી કેમ કરવી એ મોટો પ્રશ્ન બની જાય છે. જો કે આ વર્ષે તો આ જળસંકટ અત્યારે જ આવી ગયું છે. હજી ચોમાસાને વાર છે ત્યાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી ખૂટી રહ્યું છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયો ડેમ સહિતના જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. સૌની યોજનાથી ભરાતા જળસ્ત્રોતો બાદ કરીએ તો અન્ય જળસ્ત્રોતોમાં જળસંગ્રહમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના આજી-1 ડેમમાં 76.10 ટકા પાણી છે, જે આગામી તા.31મી જુલાઇ સુધી ચાલશે. ન્યારી-1 ડેમમાં 59.70 ટકા પાણી છે જે 31મી મે સુધી ચાલશે, ભાદર-1માં 50.77 ટકા પાણીનો જથ્થો છે જે 31મી જુલાઇ સુધી ચાલશે, વેરી જળાશયમાં 4.14 ટકા પાણી રહયું છે. તો આજી-3માં 45.48 ટકા પાણીનો જથ્થો વધ્યો છે, જે 31મી જુલાઇ સુધી ચાલશે. ધોળીધજા ડેમમાં 51 ટકા પાણી છે જે 31મી જુલાઇ સુધી ચાલશે. મચ્છુ-1માં 28.21 ટકા, મચ્છુ-2માં 68.3 ટકા, બ્રાહ્મણી-1માં 10.90 ટકા, ભાદર-2માં 58.60 ટકા, મોજમાં 40.72 ટકા, ફોફળ-1માં 49.93 ટકા, વેણુ-2માં 42.47 ટકા, ત્રિવેણી ઠાંગામાં 30.17 ટકા અને બ્રાહ્મણી-2માં 20.19 ટકા પીવાના પાણીનો જથ્થો બચ્યો છે.

સરેરાશ જોઇએ તો રાજકોટ જિલ્લામાં પીવાના પાણીના જળસ્ત્રોતોમાં 51.41 ટકા, મોરબીના જળાશયોમાં 38.13 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના જળસ્ત્રોતોમાં 40.68 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ઈંધણમાં ભાવવધારાને કારણે ટેન્કરના કોન્ટ્રાક્ટરોએ પણ ભાડામાં 40 ટકાનો વધારો કર્યો છે. આ તમામ બાબતોનો માર તો જનતાને જ ખમવો પડે છે. જો કે આ વખતે ખરી કસોટી સરકારની છે. કારણકે જ્યારે એક તરફ સૌરાષ્ટ્રમાં પાણી ખૂટી રહ્યું છે, મોંઘવારીના કારણે લોકોની ધીરજ ખૂટી રહી છે અને ત્યારે ચૂંટણી આવી રહી છે. આવી નાજુક સ્થિતિ વચ્ચે સામાન્ય માણસને પાણી કેવી રીતે મળે છે એ જ મહત્વનું છે.

આ પણ વાંચો : છોટાઉદેપુરની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોને પૂરા પગારના હૂકમો એનાયત

