છોટાઉદેપુર
છોટાઉદેપુરના કેવડીના જંગલમાં એક વ્યક્તિ પર રીંછે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
સૂરશીભાઈ નાયક પોતાના બકરાઓને લઈને કેવડીના જંગલમાં પશુ ચરાવવા માટે ગયા હતા. એ દરમિયાન રીંછે તેમના પર પાછળથી હુમલો કર્યો અને સુરશીભાઈને નીચે પાડી દીધા. જે બાદ તેમના મોઢા તથા ખભાના ભાગે પંજાઓ મારીને ગંભીર ઈજા પહોંચાડી.
સુરશીભાઈએ પણ રીંછ સામે વળતો ઘા કરતા રીંછ જંગલ તરફ ભાગી ગયું હતું. ઈજાગ્રસ્ત સુરશીભાઈ ચાલતા ઘરે પહોંચ્યા અને પોતાની પત્નીને વાત કરી પત્નીએ તાત્કાલિક 108 બોલાવી અને સુરશીભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયા.
મહત્વનું છે કે છોટાઉદેપુરના કેવડી અને મીઠીબોર જંગલમાં કાયમ માટે રીંછ રહે છે અને અહીં આવતા વ્યક્તિઓ પર અવારનવાર હુમલાઓ પણ કરે છે. ઉનાળાના અંતમાં અને ચોમાસાના પ્રારંભમાં હંમેશા રીંછ જાંબુના વૃક્ષ આસપાસ ફરતા હોય છે અને જો એકલ દોકલ માણસ દેખાય તો તેમના પર હુમલો કરી દે છે.
