ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી, 2022માં મતદાન પહેલા રાજકીય ગતિવિધિઓ ચાલુ છે. ભાજપના સહયોગી અપના દળે યુપીની સ્વાર વિધાનસભા બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર હૈદર અલી ખાનને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા હતા. 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભાજપના સહયોગી પક્ષે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
અપના દળે આજે યુપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સ્વારથી NDAના હૈદર અલી ખાન સમાજવાદી પાર્ટીના અબ્દુલ્લા આઝમ સામે ચૂંટણી લડશે. અબ્દુલ્લા આઝમ સપાના લોકસભા સાંસદ આઝમ ખાનના પુત્ર છે. આઝમ ખાન હાલ જેલમાં છે. તેમણે જેલમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને પ્રચાર માટે જેલમાંથી મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અબ્દુલ્લા આઝમ પણ ઘણા કેસમાં છેલ્લા 23 મહિનાથી સીતાપુર જેલમાં બંધ હતો. તે 16 જાન્યુઆરીએ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર નીકળતી વખતે તેણે કહ્યું કે જેલમાં તેના પિતા આઝમ ખાનનો જીવ જોખમમાં છે. જો તેમને કંઈ થશે તો સરકાર અને જેલ પ્રશાસન જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે જેટલો જુલમ થઈ શકે તેટલો થયો. આજે પણ મારા પિતા (આઝમ ખાન)નો જીવ જોખમમાં છે.
