દિલ્હી: સામાજિક કાર્યકર્તા એવા હર્ષ મંદરે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના વિશેષ નિરીક્ષકના પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ‘મારી પાસે એવું કોઈ રચનાત્મક કામ જ નથી.’
સામાજિક કાર્યકર્તા એવા હર્ષ મંદર દ્વારા પોતાના રાજીનામામાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ‘તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે, એનએચઆરસી અલ્પસંખ્યકોના અધિકાર અને સાંપ્રદાયિક હિંસા સંબંધિત કેસ માટે સમયાંતરે તેમની સેવાઓ લેવામા આવશે. પરંતુ આયોગે આ મુદ્દાઓ પર એકવાર પણ તેમની સાથે સંપર્ક કર્યો નથી.’
તેમણે પોતાના રાજીનામા પત્રમાં એવું પણ લખ્યું કે, ‘અલ્પસંખ્યકો અને સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલ કોઇપણ માનવધિકાર અભિયાન કે તપાસ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. આયોગની સતત ચુપકીદીના કારણે મને તે લાગ્યું કે એનએચઆરસીના વિશેષ નિરીક્ષકના પદ પર મારી કોઇ સકારાત્મક ભૂમિકા નથી.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને આવું લાગવાના કારણે મેં આ હોદ્દા (પદ) પરથી રાજીનામું આપવા માટે મેં મારા અંતરઆત્માની અવાજ સાંભળી છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષ મંદર કોમ્યુનલ હાર્મની, આદિવાસી, દલિત અને દિવ્યાંગ લોકોના હક્ક, આરટીઆઈ, કસ્ટોડિયલ જસ્ટિસ, ઘરવિહોણા લોકો અને બંધવા મજૂરના પ્રશ્નો અને લડત ચલાવી રહ્યાં છે.
