Ahmedabad News : બાવળાના ભ્રૂણ હત્યા કેસમાં ગર્ભ પરિક્ષણ કરનારા ડોક્ટર અને નર્સ 50-50%ના ભીગાદાર હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બાવળામાં નોંધાયેલા ભ્રૂણ હત્યા કેસમાં પોલીસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ડૉ. હર્ષદ છગનલાલ આચાર્યની ધરપકડ કરી છે. પોલીસે 28 મે 2025ના રોજ આશીર્વાદ ક્લિનિક, સોનીની ચાલી ખાતેથી ડૉક્ટરની અટકાયત કરી હતી.
તપાસમાં આરોપી હેમલતા અને ગર્ભ પરીક્ષણ કરનાર ડૉ. હર્ષદ આચાર્ય છેલ્લાં 15 વર્ષથી એકબીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું છે.ડૉ. હર્ષદની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી હેમલતાએ ગર્ભ પરીક્ષણ કરાવનાર મહિલા અપેક્ષાબહેન પાસેથી ગર્ભ પરીક્ષણ માટે 15,000 રૂપિયા લીધા હતા. આ રકમમાંથી તેણે 8,000 રૂપિયા ડૉ. હર્ષદને આપ્યા હતા.
પોલીસે આ કેસ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 91, 92, 54 અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971ની કલમ 5(2), 5(3) હેઠળ નોંધ્યો છે. હવે આ કેસ SOG પોલીસને સોંપવામાં આવ્યો છે અને હાલમાં ડૉક્ટરની પૂછપરછ ચાલુ છે. ત્યારે આ કેસમાં વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે તેમ છે.ગર્ભ પરીક્ષણ કરનાર ડૉ.હર્ષદ આચાર્ય MD-રેડિયોલોજીની ડિગ્રી ધરાવે છે અને ઓઢવ ગામમાં સોનીની ચાલી વિસ્તારમાં લોહિયા સદન પાસે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આશીર્વાદ ક્લિનિક નામે દવાખાનું ચાલાવે છે. તેના ક્લિનિકમાં ડિજિટલ એક્સરે, કલર ડોપ્લર, સોનોગ્રાફી અને મેમોગ્રાફી જેવી સુવિધાઓ આપે છે. તેની સાથે ડૉ.દીપા આચાર્ય પણ આ ક્લિનિકમાં સેવા આપે છે, જે પણ MD-રેડિયોલોજીની ડિગ્રી ધરાવે છે.
28 મેએ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કેસની મુખ્ય આરોપી હેમલતા દરજી ગર્ભવતી મહિલાઓને ડૉ.હર્ષદ આચાર્યની ક્લિનિક પર લઈ જતી હતી. ડૉ. હર્ષદ આચાર્ય આ મહિલાઓનું ગેરકાયદે જાતિ પરીક્ષણ કરતો હતો. જો ગર્ભમાં કન્યા હોવાનું જણાતું તો હેમલતા દરજી મોટી રકમ લઈને ગર્ભપાત કરાવતી હતી.ડૉ.હર્ષદ આચાર્ય ધરપકડ બાદ હવે આ મામલે અનેક મોટા ઘટસ્ફોટ થવાની પૂરી શક્યતા છે. આ રેકેટની ગંભીરતાને જોતાં સમગ્ર રેકેટની તપાસ અમદાવાદ રૂરલ SOG પોલીસને સોંપાઈ છે. SOG હવે એ દિશામાં પણ તપાસ કરશે કે ડો.હર્ષદ આચાર્યએ અત્યારસુધીમાં કેટલાં ગર્ભ પરીક્ષણ કર્યાં અને એના આધારે કેટલી મહિલાઓના ગર્ભપાત કરાવવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં કાયદાનું ઉલ્લંઘન કરીને માનવતાને લજવતી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી કરી રહી છે. હેમલતા દરજીની ધરપકડ સમયે બાવળાના ગેસ્ટ હાઉસમાંથી મળેલા ગર્ભપાત કરાયેલા ભ્રૂણને તપાસ માટે FSL મોકલવામાં આવ્યું છે.બાવળામાં સામે આવેલા ભ્રૂણહત્યા કેસમાં નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. કોર્ટે મુખ્ય આરોપી હેમલતા દરજીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અગાઉ પોલીસે મુખ્ય આરોપી હેમલતાબેન દરજી ઉપરાંત ગર્ભપાત માટે આવેલી અપેક્ષા પઢિયાર અને તેની સાથે આવેલી શિલા પઢિયારની પણ અટકાયત કરી હતી. આ સાથે જ આ કેસમાં પનામા ગેસ્ટહાઉસના મેનેજર સચિન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:વરસાદ આ વર્ષે વહેલો નહીં આવે! 24 કલાકમાં ભારે વર્ષાનું એલર્ટ
આ પણ વાંચો:વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન
આ પણ વાંચો:કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની દસ્તક પછી વાવાઝોડાં અને ભારે વરસાદની ચેતવણી
